તહેવારોમાં પણ અમદાવાદમાં મળશે 24/7 તબીબી સહાય, 'ડોક્ટર ઓન કોલ' મેડિકલ હેલ્પલાઇન શરૂ

Diwali 2025: દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે શહેરના નાગરિકોને તબીબી માર્ગદર્શન અને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે અમદાવાદ મેડિકલ એસોસિયેશન (AMA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિયેશન (AFPA) દ્વારા 'ડોક્ટર ઓન કોલ' દિવાળી મેડિકલ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. તહેવાર દરમિયાન સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલી આ સમર્પિત હેલ્પલાઇન સેવા 19મી ઓક્ટોબરથી 26મી ઓક્ટોબર 2025 સુધી 24/7 કાર્યરત રહેશે.
કેવી રીતે મેળવશો સહાય?
શહેરીજનો AMAની સત્તાવાર વેબસાઈટ www.ahmedabadmedicalassociation.com પરથી આ હેલ્પલાઇન સેવા વિશેની માહિતી અને ડોકટરોના સંપર્ક નંબર મેળવી શકશે. આ સેવા હેઠળ AMA અને AFPA ના સભ્ય ડોકટરો સ્વયંસેવક તરીકે ફોન દ્વારા ઉપલબ્ધ રહેશે. આ ડોકટરો દિવાળી દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ કટોકટી અથવા પ્રાથમિક સારવાર અંગેના સવાલો માટે તબીબી માર્ગદર્શન પૂરું પાડશે.
આ પણ વાંચો: દિવાળી પહેલા મોટી કાર્યવાહી: અમદાવાદ પોલીસે રૂ. 2 કરોડથી વધુના દારૂ પર ફેરવ્યું બુલડોઝર
એસોસિયેશના જણાવ્યાનુસાર, આ પહેલ સમાજના કલ્યાણ પ્રત્યેની ડોકટરોના પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે તહેવારની ઉજવણીના માહોલમાં કોઈ પણ વ્યક્તિ સમયસર તબીબી માર્ગદર્શન વિના ન રહે. આ સેવાનો લાભ શહેરનો કોઈપણ નાગરિક લઈ શકશે.