Get The App

અમદાવાદ: પરિણીતાના અશ્લીલ ફોટા ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી તેના જ પતિને મોકલ્યા, રાણીપ પોલીસમાં ફરિયાદ

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: પરિણીતાના અશ્લીલ ફોટા ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી તેના જ પતિને મોકલ્યા, રાણીપ પોલીસમાં ફરિયાદ 1 - image

Social Media Harassment Case In Ahmedabad: અમદાવાદમાં સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ બનાવીને મહિલાઓને ટાર્ગેટ કરવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શહેરના રાણીપ વિસ્તારમાં એક અજાણ્યા શખસે ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવીને એક 26 વર્ષીય પરિણીતાના અંગત અને અશ્લીલ ફોટા તેના જ પતિ તથા મિત્રોને મોકલી આપ્યા હોવાની ઘટના સામે આવી છે. પરિણીતાના સુખી સંસારમાં આગ લગાડવાના અને લગ્નજીવન તોડવાના બદઇરાદા સાથે કરાયેલા આ કૃત્ય અંગે પીડિતાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને સાયબર ક્રાઈમની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણો શું છે સમગ્ર મામલો

પીડિત યુવતી રાણીપ વિસ્તારમાં પરિવાર સાથે રહે છે અને વ્યવસાયે સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. આ યુવતી ભૂતકાળમાં પણ આવી જ ઓનલાઈન હેરાનગતિનો ભોગ બની ચૂકી છે. યુવતીના અગાઉ વર્ષ 2019માં લગ્ન થયા હતા. તે સમયે પણ કોઈ અજ્ઞાત આઇડી પરથી તેના પતિને ખોટા અને વાંધાજનક મેસેજો મોકલવામાં આવ્યા હતા, જેના કારણે ઘરમાં કલેશ વધતાં આખરે તેમના છૂટાછેડા થઈ ગયા હતા.

ત્યારબાદ વર્ષ 2024માં યુવતીએ અન્ય એક યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને હાલ તે પોતાના પતિ તથા માતા-પિતા સાથે શાંતિથી જીવી રહી હતી. પરંતુ, યુવતીનું આ સુખ કોઈ શખસને ખૂંચ્યું હોય તેમ તેનું લગ્નજીવન ફરીથી બગાડવાના ઈરાદા સાથે સોશિયલ મીડિયા પર હેરાનગતિ શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: વિદ્યાર્થિનીના ફેક આઈડી પર અશ્લીલ ફોટો-રીલ્સ પોસ્ટ કરીને ધમકી, કહ્યું-'મારું નહીં સાંભળે તો ફોટો વાઈરલ કરી દઈશ'

31મી માર્ચથી ફેક આઇડી બનાવીને ફોટા મોકલવાનું શરૂ કરાયું

પોલીસ ફરિયાદ અનુસાર, ગત 31મી માર્ચથી કોઈ અજાણ્યા શખસે ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. આરોપીએ યુવતીના પતિના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર યુવતીના અંગત અને અશ્લીલ ફોટા મેસેજ (DM) મારફતે મોકલ્યા હતા. આટલેથી ન અટકતા, આ શખસે યુવતીના મિત્રો અને અન્ય ઓળખીતા લોકોને પણ આવા જ અશ્લીલ ફોટા તથા ચારિત્ર્યહનન કરતા ખરાબ મેસેજો મોકલીને પીડિતાને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

પતિના સપોર્ટથી સાયબર ક્રાઈમ અને પોલીસમાં ગુનો દાખલ

સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં પારિવારિક વિવાદ વધતો હોય છે, પરંતુ આ કેસમાં પતિએ સમજદારી દાખવીને પોતાની પત્નીને પૂરો સપોર્ટ આપ્યો હતો. લગ્નજીવનમાં વિવાદ ઊભો કરનારા આ શખસને પાઠ ભણાવવા માટે દંપતીએ સૌપ્રથમ સાયબર ક્રાઈમ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી હતી. ત્યારબાદ, રાણીપ પોલીસ મથકે પહોંચીને ફેક આઇડી બનાવનાર અને હેરાન કરનાર અજ્ઞાત શખસ વિરુદ્ધ આઇટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે. રાણીપ પોલીસ હાલ આ મેસેજો અને પ્રોફાઇલના સ્ક્રીનશોટના આધારે નકલી એકાઉન્ટ ઓપરેટ કરનાર શખસનું આઇપી એડ્રેસ ટ્રેસ કરીને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.