Get The App

અમદાવાદ: વિદ્યાર્થિનીના ફેક આઈડી પર અશ્લીલ ફોટો-રીલ્સ પોસ્ટ કરીને ધમકી, કહ્યું-'મારું નહીં સાંભળે તો ફોટો વાઈરલ કરી દઈશ'

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: વિદ્યાર્થિનીના ફેક આઈડી પર અશ્લીલ ફોટો-રીલ્સ પોસ્ટ કરીને ધમકી, કહ્યું-'મારું નહીં સાંભળે તો ફોટો વાઈરલ કરી દઈશ' 1 - image

Ahmedabad Student Social Media Harassment Case: અમદાવાદ શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીઓને ટાર્ગેટ કરી બ્લેકમેલ કરતી વિકૃત માનસિકતા ધરાવતા શખસોનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નવરંગપુરા વિસ્તારની એક કોલેજમાં અભ્યાસ કરતી 24 વર્ષીય વિદ્યાર્થિનીને બદનામ કરવાના ઇરાદે અજાણ્યા શખસોએ ઇન્સ્ટાગ્રામ પર અલગ-અલગ નામથી ફેક આઇડી બનાવ્યા હતા. તેમાં યુવતીના અશ્લીલ તસવીરો અને રીલ્સ અપલોડ કરીને તેને બ્લેકમેલ કરવામાં આવી રહી છે. શખસે યુવતીને ધમકી આપી છે કે, 'જો તું મારું નહીં સાંભળે તો તારી અશ્લીલ તસવીરો તારા મિત્રો અને અન્ય લોકોને વાઈરલ કરી દઈશ.' આ મામલે ભોગ બનનાર યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી 24 વર્ષીય પીડિતા નવરંગપુરાની એક કોલેજમાં અભ્યાસ કરે છે. આ ઘટનાની શરૂઆત ગત 28મી માર્ચના રોજ થઈ હતી. યુવતી જ્યારે ઘરે હતી ત્યારે તેની એક બહેનપણીનો અચાનક ફોન આવ્યો હતો. ફ્રેન્ડે જણાવ્યું કે, ઇન્સ્ટાગ્રામ પર પીડિતાના નામનું એક ફેક આઇડી બનેલું છે, જેના પ્રોફાઇલ પિક્ચર (DP)માં તેનો અશ્લીલ ફોટો મૂકવામાં આવ્યો છે. આ સિવાય અન્ય એક ફેક આઇડી પરથી અશ્લીલ રીલ્સ પણ વાઈરલ કરીને યુવતીને જ ફોલો રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. જોકે, યુવતી સક્રિય થાય તે પહેલાં આ એકાઉન્ટ્સ થોડા સમયમાં ડીએક્ટિવેટ થઈ ગયા હતા.

અજાણ્યા શખસોની હેરાનગતિ અહીં જ અટકી ન હતી. ગત 11મી મેના રોજ આ શખસોએ ફરીથી બીજા બે અલગ નામથી ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યા હતા અને પીડિતાને ફોલો રિક્વેસ્ટ મોકલી હતી. આ વખતે શખસે સીધો મેસેજ કરીને યુવતીને ધમકાવવાનું શરૂ કર્યું હતું.

આરોપીએ મેસેજમાં ધમકી આપી હતી કે, 'જો તું મારું સાંભળીશ નહીં તો હું તારા આ અશ્લીલ ફોટા તારા કોલેજના ફ્રેન્ડ્સને તથા બીજા બધા જ લોકોને મોકલી આપીશ અને તને સોશિયલ મીડિયા પર ક્યાંય મોં બતાવવા જેવી નહીં રાખું.'

આખરે યુવતી પોલીસ ફરિયાદ નોંધાવી

આ સતત મળી રહેલી ધાકધમકીઓ અને માનસિક ત્રાસથી ગભરાઈ ગયેલી વિદ્યાર્થિનીએ આખરે હિંમત ભેગી કરી સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર કોલ કરીને સમગ્ર હકીકત જણાવી હતી અને ત્યારબાદ નવરંગપુરા અને સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઇમ પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને આઇપી એડ્રેસ (IP Address) અને ફેક ઇન્સ્ટાગ્રામ યુઝર આઇડીના ટેકનિકલ સોર્સના આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ કૃત્ય પાછળ કોલેજનો જ કોઈ પરિચિત છે કે કોઈ પ્રોફેશનલ સાયબર ગુનેગાર, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.