અમદાવાદમાં AMCની ડિમોલિશન ટીમ પર પથ્થરમારા વખતે આત્મવિલોપન કરનારી મહિલાનું મોત
Ahmedabad News: અમદાવાદમાં ગુરૂવારે (14 ઓગસ્ટ) જશોદાનગરમાં રોડ પર દુકાનોના ડિમોલિશન કરવા ગયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ પર સ્થાનિકો હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, આ દરમિયાન ડિમોલિશનની કામગીરીના વિરોધમાં એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલીસે તાત્કાલિક તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી હતી. પરંતુ, શનિવારે (16 ઓગસ્ટ) મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
આ પણ વાંચોઃ 'નંદ ઘેર આનંદ ભયો...' : આજે જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ઉજવાશે
મહિલાના મોત બાદ પરિવારનો હોબાળો
મળતી માહિતી મુજબ, ગુરૂવારે જશોદાનગર ડિમોલિશનના વિરોધ દરમિયાન મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલાને તાત્કાલિક ધોરણે LG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આત્મવિલોપનના પ્રયાસમાં મહિલા ગંભીર રીતે દાઝી હતી. બે દિવસથી મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. પરંતુ શનિવારે (16 ઓગસ્ટ) સવારે મહિલાએ પોતાનો છેલ્લો શ્વાસ લીધો હતો. મહિલાના મોત બાદ પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પરિવાર અને સ્થાનિકો દ્વારા હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો હતો. આ સિવાય AMC પર રોષ ઠાલવ્યો હતો.
શું હતી ઘટના?
અમદાવાદના જશોદાનગરની જયશ્રી સોસાયટી નજીક એએમસી ટીમ ડિમોલિશન કરવા ગઈ હતી. આ દરમિયાન એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ ઘટના બાદ જશોદાનગરના સ્થાનિકોએ રોષે ભરાઈને એએમસીની ટીમ પર પથ્થરમારો કરીને ગાડીના કાચ તોડ્યા હતાં. આ ઘટના વધારે મોટી ન બને તે માટે પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. જોકે, મહિલાનું મોત થતા સ્થાનિકો વધુ ઉગ્ર બન્યા છે.
આ પણ વાંચોઃ સુરતના મહિધરપુરામાં અંગત અદાવતમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, પોલીસની તપાસ શરૂ
સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે, 'એએમસીની ટીમ આવી ત્યારે અમે તેમની પાસે સમય માંગ્યો. પરંતુ અમારું કાંઇ સાંભળ્યું નહીં. તેમણે તોડવાનું ચાલુ જ રાખ્યું અમને અગાઉથી કોઈ નોટિસ આપી નથી અને સીધું આવીને તોડવાનું ચાલુ જ કરી દીધું. અમને લેખિતમાં કાંઈ આપ્યું નથી. અમે માંગ કરી હતી કે, થોડો સમય આપો તો સામાન કાઢી લઈએ.'