સુરતના મહિધરપુરામાં અંગત અદાવતમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, પોલીસની તપાસ શરૂ
Surat Crime News : સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલા સહારા દરવાજા નજીક એક યુવકની ચપ્પુના ઘા મારીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. હત્યા અંગત અદાવતને કારણે કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવકની ઓળખ અને હત્યાના કારણો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
મહિધરપુરા પોલીસે આ ઘટના અંગે હત્યાનો ગુનો નોંધીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત, પોલીસે સ્થાનિક લોકોની પૂછપરછ પણ શરૂ કરી છે, જેથી આરોપીઓની ઓળખ કરીને તેમને ઝડપી પાડી શકાય.
પોલીસે ઘટનાસ્થળેથી હત્યામાં વપરાયેલ હથિયાર અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી પણ શરૂ કરી છે. આ ઘટના બાદ મહિધરપુરા પોલીસ મથકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આરોપીઓને વહેલી તકે પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.