અમદાવાદમાં પત્નીએ સૂતેલા પતિના અંગત ભાગ પર એસિડ રેડી દીધું, અનૈતિક સંબંધોની આશંકાએ કર્યો હુમલો

Ahmedabad Crime: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં દિવાળીના દિવસે (20 ઓક્ટોબર) સંબંધોને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પત્નીએ પોતાના પતિ પર જ એસિડથી હુમલો કર્યો છે. પતિના અન્ય સ્ત્રી સાથેના આડાસંબંધોની આશંકાએ રોષે ભરાયેલી પત્નીએ આ ખતરનાક કૃત્યને અંજામ આપ્યો હતો.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, સેટેલાઇટ વિસ્તારમાં રહેતા આ દંપતીના બે વર્ષ પહેલા પ્રેમલગ્ન થયા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી પત્નીને તેના પતિના ચારિત્ર્ય પર શંકા હતી. તેને આશંકા હતી કે પતિના અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધો છે. આ જ વાતથી રોષે ભરાઈને પત્નીએ પોતાના પતિ દિવાળીની રાત્રે જ્યારે પતિ સૂતો હતો, ત્યારે પહેલા તેના પર ગરમ પાણી નાખ્યું અને ત્યારબાદ એસિડનો હુમલો કરી દીધો. એસિડ એટેકના કારણે યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચોઃ દિવાળીએ ફટાકડાના ધુમાડામાં ગૂંગળાયું અમદાવાદ, થલતેજમાં તો AQI 1000થી વધુ નોંધાયું!
પોલીસે હાથ ધરી તપાસ
આ ઘટના અંગે ઇજાગ્રસ્ત પતિએ પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સેટેલાઇટ પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને હુમલો કરનાર પત્નીની ધરપકડ સહિતની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી છે.