Makar Sankranti and Uttarayan: આગામી 14 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં મકરસંક્રાંતિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. સામાન્ય રીતે આપણે ઉત્તરાયણ અને મકરસંક્રાંતિને એક જ ગણીએ છીએ, પરંતુ ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ આ બંને ઘટનાઓ અલગ છે. સૂર્યનો ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ એટલે 'મકરસંક્રાંતિ' અને સૂર્યનું ઉત્તર દિશામાં પ્રયાણ એટલે 'ઉત્તરાયણ'.
ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ: બે અલગ દિવસો
ખગોળશાસ્ત્રીઓના મતે, સૂર્ય જ્યારે વધુમાં વધુ દક્ષિણ દિશા તરફ જઈને ફરી ઉત્તર તરફ ગતિ શરૂ કરે તેને ઉત્તરાયણ કહેવાય છે. આ ઘટના દર વર્ષે 22 ડિસેમ્બરે બને છે. આ દિવસે ઉત્તર ગોળાર્ધમાં રાત સૌથી લાંબી હોય છે અને સૌર શિશિર ઋતુનો પ્રારંભ થાય છે. જ્યારે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ એટલે કે મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ હોય છે. આમ, આ બંને તહેવારો એક જ દિવસે નથી હોતા.
શા માટે 14 જાન્યુઆરીએ જ મકરસંક્રાંતિ?
ઐતિહાસિક અને ખગોળીય ગણતરી મુજબ, ઈ.સ. 1426માં સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરીએ થયો હતો. ત્યારથી પરંપરાગત રીતે આપણે આ દિવસે મકરસંક્રાંતિ ઉજવીએ છીએ. જોકે, પૃથ્વીની ગતિમાં આવતા ફેરફારોને કારણે આ તિથિઓમાં લાંબા ગાળે ફેરફાર થતા રહે છે.
સાયન અને નિરયન ગણતરીનું અદભૂત વિજ્ઞાન-
વિજ્ઞાન જ્યારે 22 ડિસેમ્બરને ઉત્તરાયણ ગણે છે, તો આપણે 14 જાન્યુઆરીએ ઉજવીએ છીએ. આ કોઈ ભૂલ નથી, પણ ભારતીય ખગોળશાસ્ત્રની બે અલગ ગણતરી પદ્ધતિઓ છે.
સાયન અને નિરયન: ગણતરીના બે પાસા
ખગોળશાસ્ત્રમાં બે પદ્ધતિઓ મુખ્ય છે: સાયન (ઋતુ આધારિત) અને નિરયન (તારા આધારિત).
સાયન ઉત્તરાયણ (22 ડિસેમ્બર): આ પદ્ધતિ પૃથ્વીના સૂર્ય તરફના ઝુકાવ પર આધારિત છે. ખગોળીય દ્રષ્ટિએ 22 ડિસેમ્બરે સૂર્ય દક્ષિણ દિશામાંથી ઉત્તર તરફ વળવાનું શરૂ કરે છે, માટે તેને 'સાયન ઉત્તરાયણ' કહેવાય છે. પશ્ચિમી દેશોમાં આ દિવસથી જ દિવસ લાંબો થવાની શરૂઆત મનાય છે.
નિરયન મકરસંક્રાંતિ (14 જાન્યુઆરી): ભારતીય પંચાંગ 'નિરયન' પદ્ધતિ પર ચાલે છે, જે તારામંડળને આધાર માને છે. જ્યારે સૂર્ય આકાશમાં દેખાતા મકર રાશિના તારામંડળમાં પ્રવેશ કરે ત્યારે 'મકરસંક્રાંતિ' ઉજવાય છે.

23 દિવસનું અંતર કેમ પડ્યું?
પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી અને તેની ધરી 23.27 અંશ નમેલી છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણને કારણે પૃથ્વીની ગતિમાં એક પ્રકારની 'લચક' આવે છે, જેને ભમરડાની ગતિ સાથે સરખાવી શકાય. આ ગતિને કારણે પૃથ્વીની ધરી દર વર્ષે થોડી ખસે છે. જેને ખગોળ વિજ્ઞાનમાં 'અયનાંશ' કહેવાય છે.
- આશરે 1500 વર્ષ પહેલાં સાયન અને નિરયન બંને એક જ દિવસે આવતા હતા.
- પરંતુ દર 72 વર્ષે આ ગણતરીમાં 1 દિવસનો તફાવત પડતો જાય છે.
- આજે આ તફાવત વધીને 23 થી 24 દિવસનો થઈ ગયો છે, તેથી ખગોળીય ઉત્તરાયણ 22 ડિસેમ્બરે અને આપણી મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ આવે છે.
ધ્રુવનો તારો પણ કાયમી નથી!
પૃથ્વીની આ નિરાલી લચક ગતિને કારણે અવકાશમાં તારાઓના સ્થાન પણ બદલાય છે. પૃથ્વીની આ 'વિષુવાયન' ગતિનું એક ચક્ર 25,797 વર્ષે પૂર્ણ થાય છે. દર 71.66 વર્ષે વસંતસંપાત અને શરદસંપાત બિંદુઓ એક અંશ આગળ વધે છે.આ ગતિને કારણે આકાશમાં ધ્રુવના તારાનું સ્થાન પણ બદલાય છે. આજથી 3,000 વર્ષ પછી કાલિયનાગની પૂંછડીનો તારો અને 12,000 વર્ષ પછી 'અભિજીત' તારો ધ્રુવનો તારો બનશે. આમ, મકરસંક્રાંતિ એ માત્ર પતંગબાજી કે તલ-સાંકળીનો તહેવાર નથી, પરંતુ અવકાશી ફેરફારો અને પૃથ્વીની અદભૂત ખગોળીય ઘટનાઓનો સાક્ષી પણ છે.
આ પણ વાંચો: ઉત્તરાયણ પર પતંગબાજો માટે ખુશખબર: પવનની ગતિ રહેશે સાનુકૂળ, જાણો હવામાન વિભાગની આગાહી


