અમદાવાદમાં ગર્ભવતી પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, લગ્નના 7 મહિનામાં જ આપઘાત

Ahmedabad News: રાજ્યમાં વધતા આપઘાતના બનાવો વચ્ચે અમદાવાદમાં આપઘાતની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મેમનગર વિસ્તારમાં આવેલ પટેલ વાસમાં એક પરિણીતાએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનામાં સૌથી દુઃખદ વાત એ છે કે મૃતક પરિણીતાને ત્રણ માસનો ગર્ભ હતો.
યુવતીના સાત મહિના પહેલા જ લગ્ન થયા હતા
મળતી માહિતી અનુસાર, મૃતક પરિણીતાનું નામ મોનિકા નાઈ હોવાનું જાણવા મળ્યું છે. મોનિકાના સાત મહિના પહેલાં જ દિલીપ નામના યુવક સાથે લગ્ન થયા હતા. જો કે, અચાનક પરિણીતાએ આવું અંતિમ પગલું ભરી લેતા તેના પરિવારજનોએ સાસરિયાઓ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં કાર ચાલકે સાઈકલ પર જતાં આધેડને ફંગોળી નાખ્યા, દ્રશ્ય જોઈ હચમચી જશો
આ સમગ્ર મામલે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આપઘાતનું ચોક્કસ કારણ જાણવા અને પરિવારજનો દ્વારા લગાવાયેલા આક્ષેપોની સત્યતા તપાસવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. લગ્નના ટૂંકા ગાળામાં જ પરિણીતાના આ આપઘાતથી પરિવારમાં ઘેરા શોકનો માહોલ છવાયો છે.