Get The App

સ્ટેટ સાયબર ક્રાઈમે 804 કરોડનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપ્યું, 10 આરોપીઓની ગેંગ ઝબ્બે

Updated: Sep 28th, 2025

GS TEAM

Google News
Google News
સ્ટેટ સાયબર ક્રાઈમે 804 કરોડનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપ્યું, 10 આરોપીઓની ગેંગ ઝબ્બે 1 - image


State Cyber Crime: સ્ટેટ સાયબર ક્રાઈમે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને 5.51 કરોડ રૂપિયાની રકમ પરત કરવાની સાથે સમગ્ર દેશમાંથી 804 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. વિયેતનામ અને કમ્બોડિયાથી ઓપરેટ થતી ગેંગના સંચાલકોએ છેતરપિંડી કરવા કોલ અને વીડિયો કોલ કરવા માટે 1550થી વધારે સીમ કાર્ડનો ઉપયોગ કરીને કરોડો રૂપિયા ખંખેર્યા હતા. સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ 600થી વધુ બેન્ક એકાઉન્ટ 540 જેટલા સીમ કાર્ડ સાથે સુરતથી 10 આરોપીઓની ધરપકડ કરી હતી.

સ્ટેટ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી

સાયબર ક્રાઈમ આચરીને ઓનલાઈન છેતરપિંડીના કેસમાં સીઆઈડી ક્રાઈમની સ્ટેટ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા તપાસ કરવાની સાથે ભોગ બનનારના નાણાં પરત મળે તે માટે પણ ખાસ કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત સાયબર ક્રાઈમનો ભોગ બનેલા બે ફરિયાદીને છેતરપિંડીમાં ગયેલા નાણાં તાત્કાલિક ફ્રીઝ કરીને કુલ 5.51 કરોડ રૂપિયા જેટલી રકમ પરત આપવામાં આવી હતી. આ છેતરપિડીમાં વડોદરાના એક સિનિયર સિટીઝનને 4.91 કરોડ રૂપિયા અને અમદાવાદના એક સિનિયર સિટીઝનને 48 લાખ પરત અપાવવામાં આવ્યા હતા. 

પોલીસે આ છેતરપિંડીના અન્ય કેસ સાથે તપાસ કરતા દેશમાં થયેલા 804 કરોડ રૂપિયાની માતબર રકમની છેતરપિંડીનો પણ પદાફાશ કરાયો હતો. જેમાં આરોપીઓએ 1550 જેટલા સીમ કાર્ડનો ઉપયોગ કરીને, દુબઈ, કમ્બોડિયા અને વિયેતનામમાં સક્રિય સાયબર માફિયાઓએ ભારતમાં સક્રિય એજન્ટોની મદદથી છેતરપિંડી આચરી હતી. ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઈમે આ કેસમાં 10 આરોપીઓને સુરતમાંથી ઝડપીને તેમની પાસેથી 61 મોબાઈલ ફોન, 450 ડેબિટ કાર્ડ, 700 સીમ કાર્ડ, 550 બેન્ક એકાઉન્ટ અને 16 પીઓએસ મશીન જપ્ત કર્યા હતા. ત્યારે સ્ટેટ સાયબર ક્રાઈમ અન્ય રાજ્યોની પોલીસની મદદથી આ કેસમાં વધુ વિગતો તપાસી રહી છે.

આ પણ વાંચો: બોપલમાં માથાભારે તત્વોએ ગરબા બંધ કરાવી પાર્ટી પ્લોટમાં તોડફોડ મચાવી, કેમ મામલો બીચક્યો

એકાઉન્ટ હોલ્ડરને કમિશનની લાલચ અપાતી હતી

કમ્બોડિયા, વિયેતનામ અને દુબઈમાં રહેલી ચાઈનીઝ ગેંગને ભારતમાં કરોડોનું કૌભાંડ આચરવા માટે બેન્ક એકાઉન્ટ અને સીમ કાર્ડની જરૂર રહે છે. આ માટે વિદેશમાં રહેતી ગેંગ દ્વારા ભારતમાં એજન્ટોનું મોટુ નેટવર્ક સેટઅપ કરવામાં આવ્યું છે. જેમાં છેતરપિંડીની રકમ મેળવવા માટે અલગ અલગ તબક્કે કમિશનનો દર નક્કી કર્યા બાદ પણ કુલ રકમની 94 ટકા જેટલી રકમ વિદેશમાં સક્રિય ગેંગને મળતી હતી. એકાઉન્ટ હોલ્ડરને ખાતામાં જમા થતી રકમના એકથી દોઢ ટકા જેટલુ કમિશન મળતું હતું. જ્યારે ખાતામાથી રકમ ટ્રાન્સફર કરવા માટે કામ કરતો વ્યક્તિ 4 ટકા કમિશન પોતાના પાસે રાખીને તે નાણાં આગળ મોકલતો હતો. તેમજ સીમકાર્ડ આપનારને કાર્ડ દીઠ 300 રૂપિયા કમિશન આપવામાં આવતું હતું. જે સીમકાર્ડ વિદેશમાં મોકલવામાં આવતા હતા.

Tags :