Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોન વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. કાલુપુર અને અસારવાના ગીચ વિસ્તારોમાં અનેક જગ્યાએ ગેરકાયદે બાંધકામો ઊભા કરવામાં આવ્યા હતા. તંત્રએ નોટિસ બાદ પણ દબાણો દૂર કરવામાં ન આવતા હવે કડક રાહે કામ લેવામાં આવ્યું, જેના ભાગરૂપે કાલુપુર 7 કોમર્શિયલ અને અસારવામાં 5 ઇન્ડસ્ટ્રીયલ ગેરકાયદે બાંધકામો તોડી પડાયા છે.
AMCનું બુલડોઝર ફરી વળ્યું
કાલુપુરના ખાડિયા વોર્ડમાં આવતા મીરઘાવાડ અને પાંચકુવા દરવાજાથી સાઉથ રેવડી બજાર રોડ પર ગ્રાઉન્ડ ફ્લોર પર અંદાજે 4200 ચોરસ ફૂટમાં ફેલાયેલી કુલ 7 કોમર્શિયલ દુકાનોનું બાંધકામ બિન પરવાનગી અને રોડ પર દબાણ કરીને કરવામાં આવ્યું હતું. કોર્પોરેશનની સૂચના છતાં આ દબાણો સ્વેચ્છાએ દૂર કરાયા ન હતા. આજે મ્યુનિસિપલ સ્ટાફ, બ્રેકર મશીન, ગેસ કટર અને ખાનગી મજૂરોની ટીમ સાથે પોલીસ બંદોબસ્ત હેઠળ આ તમામ ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: સડેલા બટાકા અને કાળું મેશ તેલ: પાણીપુરીનો ચટાકો પડશે ભારે, આ દ્રશ્ય જોઈ લો
ગેરકાયદેસર શેડ જમીનદોસ્ત
તો શાહીબાગ વોર્ડના અસારવા વિસ્તારમાં આવેલ અભિષેક એસ્ટેટ વિભાગ-1માં પણ ડિમોલિશન હાથ ધરાયું હતું. અહીં ટી.પી. સ્કીમ નં.-8ના ફાઇનલ પ્લોટ નં. 130+131 પર બીજા માળે અંદાજે 5000 ચોરસ ફૂટમાં 5 જેટલા ઇન્ડસ્ટ્રીયલ શેડનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. આ અંગે એએમસી દ્વારા જી.પી.એમ.સી. એક્ટની કલમ હેઠળ નોટિસ ફટકારવામાં આવી હતી, તેમ છતાં બાંધકામ દૂર ન કરાતા આજે તંત્રએ ખાતાકીય અમલ કરી આ તમામ ગેરકાયદેસર શેડ જમીનદોસ્ત કરી દીધા હતા. જુઓ તસવીરો









