Gujarat

અમદાવાદમાં તસ્કરોનો આતંક: ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં ₹45 લાખથી વધુની મત્તા સાફ

By GS TEAM
16 May 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરી કરનારી ટોળકીઓ બેફામ બની હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ પોલીસે શહેરના અલગ-અલગ ત્રણ વિસ્તારોમાં ચોરીના ગુના નોંધ્યા છે, જેમાં અજાણ્યા તસ્કરો બંધ મકાનોના તાળાં અને લોકર તોડીને કુલ 45 લાખ રૂપિયાથી વધુની કિંમતના સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ ઘરના મંદિરમાંથી ભગવાનની કિંમતી મૂર્તિઓ ચોરીને ફરાર થઈ ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં તસ્કરોનો આતંક: ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં ₹45 લાખથી વધુની મત્તા સાફ

Ahmedabad Theft Spree: અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરી કરનારી ટોળકીઓ બેફામ બની હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ પોલીસે શહેરના અલગ-અલગ ત્રણ વિસ્તારોમાં ચોરીના ગુના નોંધ્યા છે, જેમાં અજાણ્યા તસ્કરો બંધ મકાનોના તાળાં અને લોકર તોડીને કુલ 45 લાખ રૂપિયાથી વધુની કિંમતના સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ ઘરના મંદિરમાંથી ભગવાનની કિંમતી મૂર્તિઓ ચોરીને ફરાર થઈ ગયા છે.

ચાંદખેડામાં બંધ મકાનમાંથી 13 લાખ રૂપિયાથી વધુની ચોરી

ચાંદખેડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વાલીનાથ ચોકડી નજીક ગાયત્રીનગરમાં ચોરીનો પ્રથમ બનાવ સામે આવ્યો છે. આશ્રમ રોડ પર એક ખાનગી બિલ્ડર ગ્રૂપમાં સાઇટ સુપરવાઇઝર તરીકે કામ કરતા 42 વર્ષીય રમેશભાઇ 14મી મેના રોજ સાંજે પરિવાર સાથે પાટણ જિલ્લામાં આવેલા પોતાના વતન ગામ દિગડી ખાતે મંદિરના કામ અર્થે ગયા હતા.

બીજા દિવસે સવારે પાડોશીએ લોખંડનો મુખ્ય દરવાજો તૂટેલો જોતાં રમેશભાઇને જાણ કરી હતી. તસ્કરો રસોડાના દરવાજા અને બેડરૂમની બે તિજોરીઓ તોડીને 1.10 લાખ રૂપિયા રોકડા તેમજ સોનાના સળિયા, હાર, મંગળસૂત્ર, વીંટી અને ચાંદીના સિક્કા સહિત કુલ 13.59 લાખ રૂપિયાની મત્તા ચોરી ગયા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં સોના-ચાંદી બજારમાં ખરીદી 35% ઘટી, લગ્નગાળા પહેલાં જ સોની બજાર ચિંતિત

નારણપુરામાં ઘરના મંદિરમાંથી ચાંદીની મૂર્તિઓ સાફ

નારણપુરાના શાસ્ત્રીનગરમાં સાંઈ બાબા મંદિર પાસે આવેલા નિધિ એપાર્ટમેન્ટના એક ફ્લેટને ચોરોએ નિશાન બનાવ્યો હતો. ફરિયાદી અંકિતાબહેન રાજપૂત પ્રગતિનગરમાં પોતાના નવા ઘરના રિનોવેશનના કામને કારણે 11મી મેની રાત્રે બીજા ઘરે રોકાયા હતા. 12મી મેના રોજ સવારે પરત ફરતા ઘરનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. તસ્કરો ઘરના મંદિરમાંથી રામ દરબાર, લક્ષ્મીજી, સરસ્વતી માતા અને ગણપતિજીની ચાંદીની મૂર્તિઓ તેમજ પ્લાસ્ટિકની બેગમાં રાખેલી તાંબા-પિત્તળની કલાકૃતિઓ સહિત કુલ 90 હજાર રૂપિયાની સામગ્રી ચોરી ગયા હતા.

સરખેજના બંગલામાંથી 31.40 લાખની ઘરફોડ ચોરી

સૌથી મોટી ચોરી સરખેજ વિસ્તારમાં આવેલા એક બંગલામાં થઈ છે. 85 વર્ષીય ફરિયાદી સૌરભભાઈ શોધન અને તેમના પત્ની ત્રીજી એપ્રિલની રાત્રે બંગલાના ઉપરના માળે સૂતા હતા. આ દરમિયાન તસ્કરો પાછળના બાથરૂમના દરવાજા વાટે બંગલામાં પ્રવેશ્યા હતા.

બીજા દિવસે સવારે કબાટ તૂટેલા જોવા મળ્યા હતા. ચોરો કબાટમાંથી યુએસ ડોલર, 8 લાખ રૂપિયા રોકડા, સોનાની બંગડીઓ અને સોનાનો ગળાનો હાર મળીને કુલ 31.40 લાખ રૂપિયાની મત્તા સાફ કરી ગયા હતા. પરિવારમાં ચર્ચા-વિચારણાના કારણે આ મામલે ઔપચારિક ફરિયાદ મોડી નોંધાવવામાં આવી હતી.

અમદાવાદના ત્રણ મોટા વિસ્તારોમાં થયેલી આ ચોરીઓને પગલે સ્થાનિક પોલીસે ગુના નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની અલગ-અલગ ટીમો ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી તસ્કરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.