FOLLOW US

અમદાવાદમાં યુવકે ધંધો કરવા લીધેલા 30 લાખના 65 લાખ ચૂકવ્યા, સંબંધીઓ જ વ્યાજખોર નીકળ્યા

સંબંધીઓ જ યુવકને વ્યાજ અને મૂડી માટે હેરાન પરેશાન કરતા તથા મારવાની ધમકી આપતા હતાં

Updated: Mar 18th, 2023



અમદાવાદ, 18 માર્ચ 2023 શનિવાર

અમદાવાદમાં પોલીસે વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે. પરંતુ તે છતાંય બેફામ બનેલા વ્યાજખોરો વ્યાજ વસૂલી રહ્યાં છે. અમદાવાદના યુવકે ધંધો કરવા માટે તેના સગા મોટા ભાઈ, સાળા, સાઢુ, મિત્રો અને સગા સંબંધી પાસેથી વ્યાજે 30 લાખ લીધા હતા. જેની સામે યુવકે વ્યાજ સાથે 65.18 લાખ ચૂકવ્યા, છતાં સગા સંબંધીઓ વ્યાજખોરોની જેમ વધુ પૈસાની માંગણી કરતા યુવકે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

યુવકે ધંધા માટે ઉછીના લીધા હતાં
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદમાં 28 વર્ષીય યુવકે ઇલેક્ટ્રિકના ધંધા માટે પોતાના સાળા પાસેથી 11 લાખ ઉછીના લીધા હતા. જેની સામે વ્યાજ સાથે 20 લાખ ચૂકવ્યા હતા. બીજા સાળા પાસેથી 2 લાખ લીધા બાદ 6 લાખ ચૂકવ્યા હતા. આ ઉપરાંત સાઢુ પાસેથી 5 લાખની સામે 9.78 લાખ ચૂકવ્યા હતા. સગા મોટા ભાઈ પાસેથી 6 લાખની સામે 7.50 લાખ ચૂકવ્યા હતા. મિત્રને 2 લાખની સામે 9 લાખ ચૂકવ્યા હતા. સંબંધીને 1.5 લાખની સામે 3.53 લાખ ચૂકવ્યા હતા. અન્યને 2 લાખની સામે 8.44 લાખ ચૂકવ્યા હતા. બીજા એક સંબંધીને 40 હજારની સામે 93,500 ચૂકવ્યા હતા.

સગાઓના ત્રાસથી કંટાળી પોલીસ ફરિયાદ નોંધાવી
આટલા રૂપિયા ચૂકવવા છતાં સગા સંબંધીઓ જ મહેશને વ્યાજ અને મૂડી માટે હેરાન પરેશાન કરતા તથા મારવાની ધમકી આપતા હતા. જેથી કંટાળી જઈને મહેશે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સગા મોટા ભાઈ, સાળા, સાઢું, મિત્રો તથા સંબંધીઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Gujarat
News
News
News
Magazines