Ahmedabad Temple Theft: અમદાવાદના રાયખડ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભક્ત બનીને આવેલી એક અજાણી મહિલા પાર્વતી માતાજીના સ્થાનકમાંથી ચાંદીનો મુગટ ચોરી કરી ફરાર થઈ ગઈ છે. આ સમગ્ર મામલે મંદિરના ટ્રસ્ટીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સફાઈ દરમિયાન ભાંડો ફૂટ્યો
મળતી માહિતી અનુસાર, 15મી ડિસેમ્બર, 2025ના રોજ સાંજના સમયે મંદિરના પૂજારી રોજિંદી સાફ-સફાઈ કરી રહ્યા હતા. આ દરમિયાન પૂજારીની નજર પાર્વતી માતાજીના સ્થાનક પર પડી, જેનો કાચનો દરવાજો ખુલ્લો હતો. પૂજારીએ અંદર તપાસ કરતા માતાજીના માથા પર બિરાજમાન ચાંદીનો મુગટ ગાયબ હતો. આસપાસ તપાસ કરવા છતાં મુગટ ન મળતા તાત્કાલિક મંદિરના ટ્રસ્ટીને જાણ કરવામાં આવી હતી.

સીસીટીવી ફૂટેજમાં મહિલા કેદ
શરૂઆતમાં જ્યારે CCTV ચેક કરવામાં આવ્યા ત્યારે DVR બંધ હોવાથી ચોરીના દ્રશ્યો મળી શક્યા નહોતા. જોકે, ટ્રસ્ટીએ તાત્કાલિક ટેકનિશિયન બોલાવી DVR રિપેર કરાવ્યું અને ફૂટેજ તપાસતા ચોંકાવનારી વિગતો બહાર આવી. 12મી ડિસેમ્બર 2025ના રોજ એક અજાણી મહિલા દર્શન કરવાના બહાને મંદિરમાં પ્રવેશી હતી. આ મહિલાએ ભક્ત હોવાનો ઢોંગ કર્યો અને તક મળતા જ માતાજીના સ્થાનકનો કાચનો દરવાજો ખોલી મુગટ ચોરી લીધો હતો. આ દ્રશ્યો CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થયા છે.
પોલીસે મહિલા શોધખોળ શરૂ કરી
CCTV ફૂટેજમાં દેખાતી મહિલાની ચોરી કરવાની પદ્ધતિ જોઈને એવું જણાય છે કે તે અગાઉ પણ આવી ઘટનાઓમાં સંડોવાયેલી હોઈ શકે છે. મંદિરના ટ્રસ્ટીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અધિકૃત ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે મહિલાની ઓળખ કરવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી છે.


