Ahmedabad Crime News: અમદાવાદના મણિનગરમાં આવેલા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક ગત (14મી જાન્યુઆરી) રાતે ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે. અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને કેટલાક શખસોએ એક યુવકની ઘાતકી હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ કાગડાપીઠ અને મણિનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.
![]() |
મૃતક યુવક |
જાણો શું છે સમગ્ર મામલો
આ મામલે અમરાઈવાડીમાં રહેતા 23 વર્ષીય રાહુલ રાઠોડે પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાહુલે તેના નાના ભાઈ ચિરાગની હત્યા અંગે મંથન ઉર્ફે રૂત્વિક પરમાર તથા જયદિપ શાહ, હર્શીલ શાહ અને વિજય ઉર્ફે વી.પી. પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. સમાધાન કરવાના બહાને બોલાવીને આ શખસોએ ચિરાગ પર હુમલો કર્યો હતો.
ઉત્તરાયણે રાત્રે આશરે 9.45 વાગ્યે આ ખૂની ખેલ ખેલાયો હતો. આરોપી મંથન અને તેના મિત્રોએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને સમાધાન કરવા માટે મંથને ચિરાગ રાઠોડ અને તેના મિત્ર નયનને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે બોલાવ્યા હતા.
ચિરાગ અને નયન ત્યાં પહોંચતા જ આરોપીઓએ તેમની સાથે બોલાચાલી અને ઝઘડો શરૂ કર્યો હતો. જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો હતો અને ચારેય શખસોએ ભેગા મળીને ચિરાગને લાકડીઓ વડે માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ઉશ્કેરાયેલા મંથન પાસે રહેલી છરી કાઢી ચિરાગના શરીરના જમણી બાજુના પડખામાં ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા ચિરાગનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતા ઝોન 6 ડીસીપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસ દ્વારા ચિરાગના મૃતદેહન પીએમ માટે મોકલવામાં આવ્યો છે. હત્યા બાદ ફરાર થયેલા આરોપીની તપાસ માટે અલગ અલગ ટીમ રવાના થઈ હતી. ઝોન 6 ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, જૂની અદાવતમાં સમાધાન માટે બોલાવી હત્યા કરવામાં આવી હતી. આરોપીની ઓળખ થઈ છે જેના આધાર ધરપકડ કરવામાં આવશે.



