અમદાવાદની શારદાબેન હોસ્પિટલના ઈમરજન્સી વિભાગનો સ્ટાફ ફરજ દરમિયાન રૂમમાં ‘ઊંઘતો ઝડપાયો’!
Shrimati Shardaben Chimanlal Lalbhai Municipal General Hospital : પૂર્વ અમદાવાદની એએમસી સંચાલિત શારદાબેન અને એલ.જી. બંને હોસ્પિટલો કોઈને કોઈ કારણોસર વિવાદમાં આવતી રહે છે. ત્યારે આજે સરસપુરની શારદાબેન હોસ્પિટલમાં વહેલી સવારે ઈમરજન્સી વિભાગનો સ્ટાફ મીઠી નિંદર માણી રહ્યો હોય, છાતીમાં દુઃખાવાની ફરિયાદ સાથે આવેલા દર્દીએ સારવાર માટે એક કલાકથી વધુ સમય રાહ જોવી પડી હતી. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ચકચાર જાગી છે.
સરસપુરની શારદાબેન હોસ્પિટલના વાઇરલ થયેલા વીડિયો અનુસાર આજે સવારે છ વાગ્યાના અરસામાં એક દર્દી છાતીમાં દુ:ખાવાની ફરિયાદ સાથે સારવાર લેવા માટે આવ્યા હતા. તેઓ જ્યારે દવાખાને પહોંચ્યા ત્યારે તબીબ કે સ્ટાફ જગ્યા પર હાજર નહોતો. પૂછપરછ કરતા તબીબ હમણાં આવશે, તેવો જવાબ મળ્યો હતો. અડધો કલાક સુધી દર્દી રાહ જોયા બાદ પણ કોઇ ફરક્યું ન હતું. પરિણામે દર્દીએ અંદર જઈને તપાસ કરતા તબીબ અને નર્સિંગ સ્ટાફ ઊંઘી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. બાદમાં દર્દીએ વીડિયો બનાવીને પોતાની વ્યથા સાથે સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.
આ પણ વાંચો: બનાસકાંઠામાં મેઘરાજા ઓળઘોળ: વડગામમાં આભ ફાટયું, 39 કલાકમાં 12 ઈંચ વરસાદ
અત્રે ઉલ્લેખનિય છે કે, ઈમરજન્સી વિભાગ દવાખાનામાં સૌથી અગત્યનો વિભાગ હોય છે. અહીં સતત 24 કલાક સ્ટાફ ફરજ પર હાજર રાખવામાં આવે છે. પરંતુ રાત્રિની પાળીનો સ્ટાફ મોટાભાગે રૂમમાં જઈને ઉંઘી જતો હોય છે. આજની બેદરકારી અંગેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ સુપ્રિટેન્ડન્ટ દ્વારા સીએમઓને કારણદર્શક નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.