અમદાવાદમાં ઓવરસ્પીડના કારણે 1635 માર્ગ અકસ્માત, 515 લોકોના મોત, ટ્રાફિક વ્યવસ્થા ખોરંભે
Ahmedabad Accident: બેદરકારીભરી ડ્રાઈવીંગને લીધે ગુજરાતમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. રોડ એક્સીડેન્ટ ઈન ઇન્ડિયા 2023ના રિપોર્ટમાં એવા ચોકાવનારા તારણો રજૂ થયાં છે કે, ઓવરસ્પીડને લીધે સૌથી વધુ માર્ગ અકસ્માત થઈ રહ્યાં છે. આ ઉપરાંત ગુજરાતમાં અકસ્માતના મૃત્યુદરમાં 5.4 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2023માં કુલ 16,349 અકસ્માત થયાં, જેમાં 7845 લોકોએ જીવ ગુમાવ્યો હતો તે પેકી અમદાવાદ શહેરમાં ઓવરસ્પીડથી વધુ અકસ્માત થયાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. જ્યારે શહેરમાં અકસ્માતમાં રાહદારી અને ટુ વ્હિલર સવારોના સૌથી વધુ મોત નિપજ્યાં હતાં.
ટૂ-વ્હીલર ચાલક-રાહદારીઓના અકસ્માતમાં સૌથી વધુ મોત
આરટીઓ, ટ્રાફિક પોલીસ અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા વાહનચાલકોમાં જનજાગૃતિ માટે માર્ગ સપ્તાહ સલામતી માસની ઉજવણી કરવામાં આવે છે તેમ છતાંય માર્ગ અકસ્માતના પ્રમાણમાં ઘટાડો થઈ શક્યો નથી. રોડ એકસીડેન્ટ ઈન ઇન્ડિયા 2023ના રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે, બેફામ ડ્રાઇવીંગને કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવ રહ્યાં છે. અમદાવાદ શહેરમાં 518 અકસ્માત થયાં, જેમાં 236 રાહદારીઓએ જીવ ગુમાવ્યા હતાં. આ ઉપરાંત 47 અકસ્માત થયાં જેમાં 26 સાઈકલસવારોના મૃત્યુ થયાં હતાં. જ્યારે 998 અકસ્માત થયાં તેમાં 222 ટુ વ્હિલર ચાલકોએ જીવ ગુમાવ્યો હતો.
કાર, ટ્રક, બસ કરતાં રિક્ષાના અકસ્માત વધુ
રિપોર્ટમાં એ વાત ઘટસ્ફોટ થયો છે કે, વરસાદી માહોલ અને ધુમ્મસભર્યા વાતાવરણ કરતાં સુકા-સ્વચ્છ વાતાવરણમાં અમદાવાદમાં વધુ અકસ્માત નોધાયા છે. સુકા-સ્વચ્છ વાતાવરણમાં 1718 અકસ્માત થયાં જેમાં 512 લોકોએ જીવ ગુમાવ્યા હતાં. આ ઉપરાંત વરસાદી માહોલમાં 48 અકસ્માત થયાં જેમાં 23 લોકોના મોત નિપજ્યાં હતાં. અમદાવાદમાં કાર, ટ્રક, બસ કરતાં રીક્ષાથી થતાં અકસ્માતનુ પ્રમાણ વધુ છે. અકસ્માતનું સૌથી મોટું કારણ ઓવરસ્પીડ બની રહ્યુ છે. ઓવરસ્પીડને લીધે 1664 અકસ્માત થયાં હતાં, જેમાં 515 લોકોના મૃત્યુ થયા હતાં. દારૂ પીને ડ્રાઈવીંગ કરતાં 22 અક્સ્માત થયા હતાં જેથી 2 જણાંના મોત થયા હતાં.
આ પણ વાંચો: OBC અનામતનો ઘણો હિસ્સો સમૃદ્ધ જ્ઞાતિઓ લઈ જાય છે, ભાજપ ધારાસભ્યે ઊઠાવ્યા સવાલ
અમદાવાદમાં બ્રિજ અને વણાંકભર્યા રસ્તા કરતાં સીધા માર્ગ વધુ અક્સ્માત થઈ રહ્યાં છે. હાઈવે પર તેજ રફતારમાં વાહન હાંકવા જતાં અકસ્માતની સંખ્યા વધી રહી છે. હાઇવે પર 1558 અકસ્માત થયાં હતાં, જેમાં 462 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ચાર રસ્તા પર રેડલાઇટ હોવા છતાં વાહન હંકારતાં અકસ્માત થયાની પણ ઘટના બની રહી છે. ત્યારે આવા 41 અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતાં. આમ, ગુજરાતમા રોજના સરેરાશ 45 માર્ગ અકસ્માત થઈ રહ્યાં છે, જે ચિંતા જન્માવે તેવી વાત છે.