અમદાવાદમાં સ્કૂલમાં ચોથા માળેથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરનાર વિદ્યાર્થિનીનું મોત, કારણ અકબંધ
Ahmedabad News: અમદાવાદના નવરંગપુરામાં આવેલી સોમ-લલીત સ્કૂલમાં ગુરૂવારે (24મી જુલાઈ) ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ચોથા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગંભીર ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. પરંતુ શુક્રવારે (25મી જુલાઈ) સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. નોંધનીય છે કે, વિદ્યાર્થિનીએ ક્યા કારણસર આ પગલુ ભર્યું? તે અંગે નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી છે.
વિદ્યાર્થિનીને માથાભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી
મળતી માહિતી અનુસાર, નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ રોડ પાસે આવેલી સોમ-લલીત સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થિનીએ ગુરૂવારે (24મી જુલાઈ) બપોરે રિસેસે દરમિયાન સ્કૂલના ચોથા માળેથી અચાનક કૂદકો મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિનીને માથાભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેને સારવાર માટે આઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન શુક્રવારે તેમનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: એક્સપ્રેસ વે પર સ્ત્રીનો વેશ ધારણ કરીને વાહનચાલકો પાસેથી લૂંટ કરતી ગેંગ ઝડપાઇ
પોલીસે વિદ્યાર્થિનીના માતા-પિતાની પૂછપરછ કરી
બીજી તરફ બનાવને પગલે સ્કૂલમાં દોડધામ મચી ગઈ હતી. સમગ્ર ઘટના અંગે નવરંગપુરા પોલીસને જાણ થતા પોલીસ ઇન્સ્પેક્ટર એ. એ. દેસાઇ તેમજ અન્ય અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. આ અંગે પોલીસે વિદ્યાર્થિનીના માતા-પિતાની પ્રાથમિક પૂછપરછ કરી ત્યારે જાણવા ચોક્કસ કારણ જાણવા મળ્યું નહોતુ. જેથી આ અનુસંધાનમાં પોલીસ તેની સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થિઓ, તેમના ક્લાસ ટીચરની પૂછપરછ કરશે. તેમજ તેની સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે પણ તપાસ કરાશે. ખાસ કરીને વિદ્યાર્થિની ધોરણ 10માં અભ્યાસ કરતી હોવાથી તેને અભ્યાસના દબાણમાં હોવાની શક્યતાની દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલ સમક્ષ સમગ્ર મામલે રિપોર્ટ તેમજ સીસીટીવી ફૂટેજ પણ મંગાવ્યા છે. જેના આધારે પણ કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.