એક્સપ્રેસ વે પર સ્ત્રીનો વેશ ધારણ કરીને વાહનચાલકો પાસેથી લૂંટ કરતી ગેંગ ઝડપાઇ
ભોગ બનનાર મોટાભાગ ટ્રક ડ્રાઇવર હોવાનું બહાર આવ્યું ઃ આરોપીઓએ પ્રાથમિક પુછપરછમાં ૧૩થી વધુ ગુના આચર્યાની કબુલાત કરી
અમદાવાદ,ગુરૂવાર
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર રામોલ ટોલનાકા નજીક સ્ત્રીનો વેશ ધારણ કરીને ટ્રક ડ્રાઇવર તેમજ અન્ય વાહનચાલકોને લલચાવીને ઝાડીમાં લઇ માર મારી રોકડ અને કિંમતી ચીજવસ્તુઓની લૂંટ કરતી ગેંગના મુખ્ય સાગરિત સહિત કુલ ચાર આરોપીઓને વિવેકાનંદનગર પોલીસે દોઢ મહિનાની સતત મહેનત બાદ ઝડપીને મહત્વની સફળતા મેળવી છે. પોલીસે આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે આરોપીઓએ અત્યાર સુધીમાં ૧૩થી વધુ ગુના આચરીને વાહનચાલકોને લૂંટયા હતા. જેમાં મોટાભાગના ભોગ બનનાર અન્ય રાજ્યોના ટ્રક ડઇવર હતા. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર રામોલ ટોલનાકા નજીક ગત ૩૦મી મે ના રોજ અમદાવાદ તરફ એક ટ્રક ડઇવર આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં એક સ્ત્રીએ તેને ઇશારો કરીને બોલાવ્યો હતો. બાદમાં તેને ઝાડીમાં લઇ જવામાં આવ્યો ત્યારે ત્યાં અચાનક ત્રણ લોકો આવ્યા હતા અને તેમણે ડઇવરને માર મારીને તેની પાસેથી રોકડ રૂપિયા ૨૫ હજાર અને ચાંદીના કડાની લૂંટ કરી હતી. આ બનાવ અંગે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
લૂંટારૂઓની મોડ્સ ઓપરેન્ડી જોતા આરોપીઓએ આ પ્રકારના ગુના નિયમિત રીતે ચોક્કસ વિસ્તારમાં આચરતા હોવાની શક્યતા પોલીસ ઇન્સ્પેક્ટર એચ એન બારીયાએ વ્યક્ત કરી હતી. જેના આધારે પોલીસે ઘટના સ્થળે તપાસ કરી ત્યારે સ્થળ પરથી કપડા, સામાન, સિક્કા તેમજ એક સીમ કાર્ડ મળી આવ્યું હતું. જે સીમ કાર્ડ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે રાજસ્થાનના એક ડઇવરના મોબાઇલનું હતુ અને તેને પણ સ્ત્રીનો વેશ ધારણ કરીને લૂંટ કરતી ગેંગ દ્વારા ટારગેટ કરાયો હતો. જેમાં તેનો મોબાઇલ લૂંટીને સીમ કાર્ડ સ્થળ પર ફેંકી દેવામાં આવ્યું હતું. બાદમાં પોલીસે તેના મોબાઇલની વિગતો લઇને આઇએમઇઆઇ નંબરના આધારે તપાસ કરતા મહત્વની કડી મળી હતી.
જેના આધારે અમદાવાદ જિલ્લાના દેવડી ગામમાં રહેતા દિનેશ વાદી, ગેરતપુરમાં રહેતા અજય વાદી અને મહેશ વાદીની અટકાયત કરીને પુછપરછ કરતા જાણવા મળ્યુ હતું કે દેવા નટ (રહે.નિકોલ) નામનો વ્યક્તિ તેમની ગેંગનો મુખ્ય સાગરિત હતો અને તે સ્ત્રીનો વેશ ધારણ કરીને ટ્રક ડ્રાઇવરને ચોક્કસ જગ્યાએ લાવતો હતો. જ્યાં ગેંગના અન્ય સાગરિતો હુમલો કરીને લૂંટ કરતા હતા.
આ અંગે જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટે જણાવ્યું કે આરોપીઓએ અત્યાર સુધીમાં ૧૩થી વધુ ગુના આચર્યાની કબુલાત કરી છે. પરંતુ, મોટાભાગના કેસમાં ટ્રક ડ્રાઇવર કે અન્ય વાહનચાલકો બદનામીના ડરથી ફરિયાદ કરતા ડરે છે. જેથી પોલીસે ભોગ બનનારા અંગે તપાસ કરીને વિગતો એકઠી કરવાનું શરૂ કર્યું છે. વિવેકાનંદનગર પોલીસે આરોપીઓની કડી મેળવવા માટે સતત દોઢ મહિના સુધી મહેનત કરી હતી. જેમાં ખુદ પોલીસ ટ્રક ડઇવર બનીને સક્રિય થયા હતા.