Get The App

તો બોલ દે કી મુસેફને મારા.. અમદાવાદની સ્કૂલમાં સગીર વિદ્યાર્થીના હત્યારાની ચોંકાવનારી ચેટ મળી

Updated: Aug 20th, 2025

GS TEAM

Google News
Google News
તો બોલ દે કી મુસેફને મારા.. અમદાવાદની સ્કૂલમાં સગીર વિદ્યાર્થીના હત્યારાની ચોંકાવનારી ચેટ મળી 1 - image


Ahmedabad Seventh Day School:  અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા કરી નાખતાં ચકચાર મચી ગઈ છે. એક સામાન્ય ધક્કા-મુક્કીની ઘટનાએ આ ગંભીર સ્વરૂપ લીધું હતું. આ સમગ્ર મામલાની તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. પોલીસે આ કેસમાં બે સગીરોની અટકાયત પણ કરી છે.

તો બોલ દે કી મુસેફને મારા.. અમદાવાદની સ્કૂલમાં સગીર વિદ્યાર્થીના હત્યારાની ચોંકાવનારી ચેટ મળી 2 - image

ચેટમાં થયો મોટો ખુલાસો

આરોપી વિદ્યાર્થીએ હત્યા કર્યા બાદ વોટ્સએપ ચેટ કરી હોવાનું સામે આવ્યું છે. આ ચેટ પોલીસને હાથ લાગી છે, જેમાં મોટા ખુલાસા થયા છે. ચેટમાં આરોપી વિદ્યાર્થીએ હત્યાની કબૂલાત કરી હતી. ચેટમાં તેણે જણાવ્યું હતું કે, મૃતક વિદ્યાર્થીએ તેને "તું કોન હૈ, ક્યાં કર લેગા?" તેમ કહીને ઉશ્કેર્યો હતો, જેના કારણે તેણે ચાકુ માર્યું હતું. આરોપી સાથે ચેટ કરનાર વ્યક્તિએ તેને "અંડરગ્રાઉન્ડ" થઈ જવાની પણ સલાહ આપી હતી. પોલીસ હવે આ ચેટની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

તો બોલ દે કી મુસેફને મારા.. અમદાવાદની સ્કૂલમાં સગીર વિદ્યાર્થીના હત્યારાની ચોંકાવનારી ચેટ મળી 3 - image

ક્રાઈમ બ્રાન્ચની તપાસ અને કાયદાકીય કાર્યવાહી

આ મામલે ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું કે, ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ હત્યાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ, પુરાવાનો નાશ કરવાના પ્રયાસો અને અન્ય દિશાઓમાં પણ તપાસ કરી રહી છે. આરોપી સગીર હોવા છતાં તેને જુવેનાઈલ જસ્ટિસ એક્ટનો લાભ ન મળે તે માટે તેની મેડિકલ તપાસ પણ કરાવવામાં આવશે, જેથી તેની માનસિક અને શારીરિક સ્થિતિનો યોગ્ય અંદાજ મળી શકે. આ ઘટનાએ ફરી એકવાર શાળા સંકુલમાં બાળકોની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય પર સવાલ ઉભા કર્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ સેવન્થ ડે હત્યા કેસઃ પોલીસ બંદોબસ્ત સાથે નીકળી વિદ્યાર્થીની અંતિમ યાત્રા, મોટી સંખ્યામાં જોડાયા લોકો

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય 7-8 વિદ્યાર્થીઓ સાથે મળીને 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચપ્પુ મારી દીધું હતું. હકીકતમાં, હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ 7-8 અન્ય વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પાનો વાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન હવે વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે.


30 મિનિટ સુધી તરફડ્યા માર્યા પણ...

જોકે, આ મુદ્દે ત્યાં હાજર અન્ય વિદ્યાર્થીઓએ શાળા સામે ગંભીર આરોપો લગાવ્યા છે અને કહ્યું કે, 30 મિનિટ સુધી વિદ્યાર્થી તરફડિયા મારતો હતો તો પણ કોઈ મદદ માટે નહતું આવ્યું.પ્રત્યક્ષદર્શી શાળાના એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, 'ઘટનાસ્થળે સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટી ટીચર્સ હાજર હતા, તેમ છતા કોઈ મદદ માટે નહોતું આવ્યું. લગભગ 30 મિનિટ સુધી વિદ્યાર્થી લોહી લુહાણ હાલતમાં ત્યાં તરફડિયા મારી રહ્યો હતો, તેમ છતાં કોઈ મદદ માટે નહતું આવ્યું. હુમલો કરનાર છોકરો તો તુરંત ત્યાંથી પેટમાં ચાકુ ભોંકીને ભાગી ગયો હતો. પરંતુ, આ વિદ્યાર્થી લોહી નીકળવાના કારણે બેભાન થઈ ગયો હતો. હું અને મારા મિત્રો તરત ત્યાં પહોંચ્યા અને તેને રિક્ષામાં બેસાડ્યો હતો. તેમ છતાં સિક્યોરિટી ગાર્ડ કે કોઈ અમારી મદદે ન આવ્યા અને ઊભા-ઊભા જોતા રહ્યા. બાદમાં વિદ્યાર્થીને સરદાર પટેલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.'

મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા 

બાળકના મોત બાદ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો તેમજ સમાજના લોકોએ સ્કૂલમાં ઘૂસી પ્રિન્સિપાલ અને સ્ટાફને માર્યા હતા અને ભારે તોડફોડ પણ કરી હતી. હાલ, મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે.

આ રેડ સિગ્નલઃ શિક્ષણ મંત્રી

આ મામલે શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે, 'શાળામાં વિદ્યાર્થીની હત્યાની સમગ્ર ઘટનાના તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ માટે હું મૃતકના પરિજનોને સાંત્વના આપું છું. આ ઘટના સામાજિક ચિંતન અને મનનનો વિષય છે. નાની ઉંમરમાં ચાકુથી લઈને હુમલો કરવો એ તમામ લોકો માટે એક રેડ સિગ્નલ છે. આવી વિકૃત માનસિકતા ધરાવનારા બાળકો પર માતા-પિતાએ નજર રાખવી જોઈએ. શાળાના નાના ઝઘડામાં મર્ડર સુધી પહોંચવું તે એક ચિંતાનો વિષય છે. 


Tags :