આવતીકાલે સફાઈકર્મીઓ કરશે હડતાળ, આઉટસોર્સિંગ બંધ કરવા સહિત વિવિધ માગણી

Ahmedabad Sanitation Workers To Strike: દિવાળીનાં તહેવારો ટાણે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્વચ્છતા વ્યવસ્થા સામે મોટો પડકાર ઊભો થયો છે. આઉટસોર્સિંગ બંધ કરવા સહિતની મુખ્ય માંગણીઓને લઈને શહેરના સફાઈ કામદારો મંગળવારે (14મી ઓક્ટોબર) એક દિવસ માટે સફાઈ કાર્યથી અળગા રહેશે.
માંગણી નહીં સ્વીકારાય તો અનિશ્ચિત હડતાળની ચીમકી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 'નોકર મંડળ' દ્વારા આ હડતાળની જાહેરાત કરવામાં આવી છે. નોકર મંડળે જણાવ્યું છે કે તેમની માંગણીઓ સ્વીકારવામાં આવે તો કોર્પોરેશનની તિજોરી પર કોઈ વધારાનો નાણાકીય બોજ વધવાનો નથી, તેમ છતાં વહીવટી વડાઓ કોઈ નક્કર નિર્ણય લઈ રહ્યા નથી.
નોકર મંડળે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, તમામ સફાઈ કામદારો સહિતનાં યુનિયનનાં સભ્યો મંગળવારે (14મી ઓક્ટોબર) એક દિવસ ફરજથી અળગા રહેશે. ત્યારબાદ પણ મ્યુનિસિપલ સત્તાધીશો સમાધાનકારી વલણ નહીં અપનાવે, તો નોકર મંડળને અચોક્કસ મુદતની હડતાળ પાડવાની ફરજ પડશે.
આ પણ વાંચો: અમદાવાદમાં છેડતીના કિસ્સા વધ્યા, દર મહિને 20 ગુના નોંધાય છે, રોમિયા છાકટા બન્યા
AMCનું વલણ: અન્ય મહાનગરપાલિકાઓ પર અસરનો ડર
દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યાનુસાર, નોકર મંડળ દ્વારા રજૂ કરાયેલી સફાઈ કામદારોની ભરતી અને અન્ય માંગણીઓમાં અમુક એવી છે જે સ્વીકારવામાં આવે તો તેની અસર માત્ર અમદાવાદ પૂરતી સીમિત નહીં રહે. જો આ માંગણીઓ સ્વીકારાય તો રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ તેમજ પાલિકા વગેરે જગ્યાએ પણ તેની અસર પડી શકે તેમ છે. મ્યુનિસિપલ વહીવટી તંત્ર દ્વારા નોકર મંડળની માંગણીઓ અંગે શાસક ભાજપ સાથે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી છે.
તહેવારના માહોલમાં જ સફાઈ કામદારોની હડતાળના એલાનથી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાવવાનો ખતરો ઊભો થયો છે, જેને પગલે વહીવટી તંત્ર પર સમાધાન લાવવાનું દબાણ વધ્યું છે.