અમદાવાદમાં છેડતીના કિસ્સા વધ્યા, દર મહિને 20 ગુના નોંધાય છે, રોમિયો બેફામ બન્યાં

Ahmedabad Molestation Spike: ગુજરાતમાં મહિલાઓ મધરાત્રે ફરી શકે તે વાતનો હવે ફુગ્ગો ફુટ્યો છે કેમકે, મેગાસિટી અમદાવાદમાં યુવતી-મહિલાઓની છેડતીના કિસ્સા વધી રહ્યાં છે. શહેરમાં દર મહિને સરેરાશ 20 કેસ છેડતીના પોલીસ ચોપડે નોંધાઈ રહ્યાં છે તે પરથી મહિલાઓ માટે ગુજરાત કેટલું સલામત છે તે સવાલ ઉભો છે. રાજ્ય ગૃહ વિભાગ ભલે ડીંગો હોંકે પણ અમદાવાદ શહેરમાં જાણે રોમિયોને છુટો દોર મળ્યો હોય તેમ લાગી રહ્યું છે.
ગુજરાતની અસલામતી: છેડતીના કેસમાં અમદાવાદ શહેર ટોચ પર
સલામત ગુજરાતમાં જ મહિલાઓ અને યુવતીઓ અસલામતી અનુભવી રહી હોય તેવુ ચિત્ર ઉભુ થયુ છે. ગુજરાતમાં છેડતીના કિસ્સામાં અમદાવાદ શહેર ટોપ પર રહ્યુ છે. ગૃહ વિભાગના રિપોર્ટે જ ગુજરાતના કાયદા વ્યવસ્થાની સ્થિતીનો અસલી ચિતાર રજૂ કર્યો છે. મેટ્રો સીટી અમદાવાદમાં દર વર્ષે છેડતીના 250 કિસ્સા નોંધાઈ રહ્યાં છે.
છેડતીના કેસોમાં વધારો: ક્યાંય સુરક્ષિત નથી મહિલાઓ
શહેરમાં ચાંદખેડા, વાડજ, સોલા, અમરાઇવાડી, કૃષ્ણનગર, નિકોલ અને વેજલપુરમાં છેડતીના સૌથી વધુ કેસો નોંધાયા છે. જોકે, અમદાવાદ શહેરમાં એકેય વિસ્તાર એવો નથી જ્યાં છેડતીનો કિસ્સો બન્યો ન હોય. મહિલા સશક્તિકરણની વાતો કરાય છે ત્યારે વચન-વાયદા આપવામાં શૂરી સરકાર મહિલાઓને સુરક્ષા આપવામાં ઉણી ઉતરી છે.
પોલીસ તંત્ર નિષ્ફળ: બે વર્ષમાં છેડતીના 400થી વધુ કેસ
મહિલા-યુવતીઓની છેડતી ન થાય તે માટે પોલીસ તંત્ર નક્કર પગલાં લેવામાં નિષ્ફળ નિવડ્યું છે, તેનું કારણ એછેકે, શહેરમાં રોમિયો છાકટા બન્યાં છે અને તેમને ખાખીનો જાણે ડર રહ્યો નથી. આ પરિસ્થિતીને લીધે ખાસ કરીને નવરાત્રિમાં પોલીસે એન્ટિ રોમિયો સ્કોવોર્ડ કાર્યરત કરવી પડે છે. સામાન્ય દિવસોમાં આ મુદ્દે વધુ ધ્યાન અપાતુ નથી. છેલ્લાં બે વર્ષની વાત કરી એ તો, અમદાવાદ શહેરમાં વર્ષ 2024માં છેડતીના 231 અને વર્ષ 2025માં 171 કેસો નોધાયા હતાં.
આ પણ વાંચો: ફોન પે અને પેટીએમની બનાવટી એપ દ્વારા વેપારીઓ સાથે ઠગાઈનો કારસો, દિવાળીમાં સાવચેત રહેવું
એકેય જીલ્લો એવો નથી જ્યાં છેડતી ન થઈ હોય
ગુજરાતમાં મહિલાઓની સલામતીને લઈને સવાલો સર્જાયા છે કેમકે, મહિલા અને યુવતીઓ અસલામત હોય તેવો અહેસાસ કરી રહી છે. ગૃહ વિભાગના રિપોર્ટના તારણો પરથી એક બાબત સાબિત થઈ છે કે, ગુજરાતનો એકેય જીલ્લો એવો નથી જ્યાં છેડતીનો કિસ્સો બન્યો ન હોય. છેલ્લાં ત્રણ વર્ષમાં ગુજરાતમાં છેડતીના કુલ મળીને 8199 કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં છેડતીના કેસ વધુ નોંધાયા છે.
મહિલાઓ માટે ઓફિસ કરતાં જાહેર સ્થળો જોખમી
ગુજરાતમાં છેડતી અને બળાત્કારના કેસો વધ્યાં છે સાથે સાથે જાતિય સતામણીના કિસ્સામાં ય વધારો નોંધાયો છે. એનસીઆરબીના રિપોર્ટમાં એ વાત ઉજાગર થઈ છે કે, ગુજરાતમાં મહિલાઓ માટે કચેરી, ઓફિસ કરતાં જાહેર સ્થળો વધુ જોખમી છે. ઓફિસ કરતાં વાહન અને જાહેર સ્થળોએ જાતિય સતામણીના કિસ્સા વધુ નોંધાયાં છે. વર્ષ 2023માં રાજ્યમાં જાતિય સતામણીના કુલ મળીને 252 કેસ નોંધાયા છે. મહિલા-યુવતીઓનો પીછો કરવો અને એક નજરે તાકી તાકીને જોવું તે પ્રકારના કિસ્સા વધુ બની રહ્યાં છે.