Ahmedabad News : અમદાવાદ ગ્રામ્યના અસલાલી ડિવિઝન હેઠળ આવતા વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં કબજે કરવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. પોલીસ દ્વારા અલગ-અલગ રેડ દરમિયાન પકડાયેલા કરોડોની કિંમતના મુદ્દામાલ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું.
40000થી વધુ વિદેશી દારૂની બોટલ પર ફર્યું બુલડોઝર
અસલાલી ડિવિઝન પોલીસ દ્વારા કુલ 40,259 નંગ વિદેશી દારૂની બોટલો, જેની અંદાજિત કિંમત રૂપિયા 1,86,21,805/- થાય છે તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ જથ્થો અસલાલી, કણભા અને વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન પકડવામાં આવ્યો હતો.

અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં આ તમામ મુદ્દામાલ પર રોલર ફેરવીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ત્રણ મુખ્ય પોલીસ સ્ટેશનોના મુદ્દામાલનો સમાવેશ કરાયો હતો.
આ પણ વાંચો: અમદાવાદના ઘી કાંટામાં નવતાડની પોળમાં મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાયા, વૃદ્ધ મહિલાનું મોત
જેમાં અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 01/10/2025થી તારીખ 20/01/2026 સુધી પકડાયેલી કુલ 28,555 બોટલ, કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 01/08/2025થી તારીખ 31/12/2025 સુધી પકડાયેલી કુલ 2,999 બોટલ અને વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 01/08/2025થી તારીખ 31/12/2025 સુધી પકડાયેલા કુલ 8,705 બોટલનો નાશ અસલાલી ખાતે કરાયો હતો. આમ અસલાલી ડિવિઝન દ્વારા કુલ રૂપિયા 1.86 કરોડથી વધુની કિંમતના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.


