Get The App

અમદાવાદના ઘી કાંટામાં નવતાડની પોળમાં મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાયા, વૃદ્ધ મહિલાનું મોત

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદના ઘી કાંટામાં નવતાડની પોળમાં મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાયા, વૃદ્ધ મહિલાનું મોત 1 - image


Ahmedabad news: અમદાવાદના ઘી કાંટા વિસ્તારથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જાણીતી નવતાડની પોળમાં એક જૂનું મકાન ધરાશાયી થયાના અહેવાલ સામે આવ્યા છે. આ મકાન પડતાં 3 લોકો દટાઈ ગયા હતા. જેમાંથી એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યાની પુષ્ટી થઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડની ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

ધારાસભ્ય પણ પહોંચ્યા ઘટનાસ્થળે, મહિલાના મોતની પુષ્ટી

ધારાસભ્ય કૌશિક જૈને જણાવ્યું હતું કે અહીં પોળમાં આવેલા મકાનો લગભગ 100 વર્ષ જુના છે. જર્જરિત મકાન પાસે જ ડ્રેનેજનું કામ ચાલતું હતું અને તે સમયે જ મકાન પડ્યું હતું. જેમાં એક વૃદ્ધ મહિલા અને શ્રમિક સહિત 3 લોકો દટાયા હતા. જેમાં મળતી માહિતી મુજબ પુષ્પાબેન પંચાલ (ઉ. વ 62) નું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. કોટ વિસ્તારમાં જર્જરિત મકાનોને નોટિસ વિશે સવાલ કરાતા ધારાસભ્યએ કહ્યું કે મેં કમિશનરને વિનંતી કરી છે કે કોટ વિસ્તારમાં આવેલા મકાનો જે જર્જરિત હાલતમાં પહોંચી ગયા છે તેમના મકાન માલિકોને આવા મકાનો રિપેરિંગ કરવા કે પુનઃનિર્માણ કરવાની મંજૂરી આપી દેવી જોઇએ. અમદાવાદના ઘી કાંટામાં નવતાડની પોળમાં મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાયા, વૃદ્ધ મહિલાનું મોત 2 - image

ડ્રેનેજનું કામ ચાલતું હતું અને મકાન ધરાશાયી થયું 

અમદાવાદની નવતાળની પોળમાં એક જૂનું અને જર્જરિત મકાન અચાનક ધરાશાયી થવાની ઘટના બની હતી. જે સમયે આ મકાન પડ્યું, ત્યારે કોર્પોરેશન દ્વારા ત્યાં ડ્રેનેજ લાઈનનું કામ ચાલી રહ્યું હતું. ડ્રેનેજની કામગીરી દરમિયાન થયેલી ધ્રુજારીને કારણે મકાન પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું હોવાનું માનવામાં આવે છે.આ દુર્ઘટનામાં એક વૃદ્ધા અને શ્રમિક સહિત 3 લોકો કાટમાળ નીચે દટાયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ દટાયેલા લોકોને બહાર કાઢી રેસ્ક્યુનો પ્રયાસ કર્યો હતો. જોકે વૃદ્ધ મહિલાને બચાવી ન શકાયા. 

ઘટનાની જાણ થતાં તંત્રમાં દોડધામ 

માહિતી અનુસાર મકાન ધરાશાયી થતાં જ તંત્રમાં દોડધામની સ્થિતિ સર્જાઈ હતી. ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગની ટીમ પણ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરતાં મકાનમાં દટાયેલા લોકોને બચાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. ઘટના સ્થળના દ્રશ્યોને જોતા આ ઘટના ભયાનક હોય તેવો આભાસ થઇ રહ્યો છે.