એક જ વરસાદમાં અમદાવાદમાં 'ખાડારાજ': 24 કલાકમાં 2 ભૂવા, ત્રણ લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad News: ગુજરાતના મેગાસિટી અમદાવાદના વિકાસની એક વરસાદમાં જ પોલ ખૂલી ગઈ છે. રાજ્યભરમાં છેલ્લાં ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને રાજ્યભરમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. સોમવારે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જોકે 24 કલાકના વરસાદમાં જ શહેરના વિવિધ ભાગોમાં ભૂવા પડવા લાગ્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ, ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતા વૃદ્ધનું મોત
એક જ વરસાદમાં વિકાસની પોલ ખૂલી!
સોમવારના એક વરસાદમાં જ અમદાવાદના મકરબા વિસ્તારમાં પોલીસ હેડ ક્વાર્ટર પાસે 24 કલાકમાં બે ભૂવા પડ્યા છે. એક ભૂવામાં તો આખેઆખી રિક્ષા પણ સમાઈ ગઈ હતી અને ચાલકને ગંભીર ઈજા પણ થઈ હતી. ત્યારબાદ બીજો એક ભૂવો પડ્યો જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો અને હાલ તે હૉસ્પિટલમાં સારવાર અર્થે છે. એટલું જ નહીં અમદાવાદની એવી ઇન્સ્ટિટ્યૂટ જ્યાં દેશ-વિદેશથી લોકો અભ્યાસ માટે આવે છે એવી NID આગળ જ ભૂવો પડ્યો છે. આ ભૂવા બાદ તંત્ર દ્વારા બેરિકેટિંગ પણ કરવામાં નહતું આવ્યું. આ સિવાય જોધપુરમાં પણ રોડમાં પડેલા ખાડમાં એક કાર ખાબકી હતી. ત્યારબાદ દોરડા વડે તેને બહાર કાઢવામાં આવી હતી.
આ પણ વાંચોઃ વડોદરામાં વાવાઝોડા ઈફેક્ટ : પ્રતાપ નગરમાં પાંચ વીજ થાંભલા પડ્યા, ઉદ્યોગો બંધ રહેશે
એવામાં સવાલ થાય છે કે, જ્યારે અમદાવાદના વિકાસનો ઢોલ પીટવામાં આવે છે પરંતુ, આ શહેરની ડ્રેનેજ સિસ્ટમ અને રોડ એટલાં પણ મજબૂત નથી કે, તે એક વરસાદ પણ ખમી શકે. કમોસમી વરસાદમાં જ જો અમદાવાદના રોડની આવી હાલત છે તો ચોમાસામાં અમદાવાદના રોડ-રસ્તાની સ્થિતિ કેવી હશે તે મહત્ત્વનો પ્રશ્ન ઊભો થાય છે.