ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ, ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતા વૃદ્ધનું મોત
Unseasonal Rain in Gujarat: વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. મંગળવારે (છઠ્ઠી મે) અમરેલી જિલ્લાના ડુંગર માંડલ બાલાપર મસુંદડા સહીત ગામડામાં પવન સાથે વરસાદ શરૂ છે. તો સુરતમાં પણ ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. અરવલ્લી જિલ્લામાં આજે કમોસમી વરસાદે દસ્તક આપી હતી, આ દરમિયાન બાયડ રેલવે ફાટક નજીક ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું.
ભાવનગરમાં કરા સાથે કમોસમી વરસાદ
ભાવનગરમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. મહુવા તાલુકાના કોટિયા, કળમોદર, બગદાણા કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. સતત બીજા દિવસે માવઠાના કારણે ખેતી પાકો બરબાદ થયા હતા. ખેડૂતોના ડુંગળી, કેરી સહિતના પાકોને વ્યાપક નુકસાન થવાની સંભાવના છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર,14 લોકો અને 26 પશુના મોત, સલામત સ્થળે રહેવા તંત્રની અપીલ
મહીસાગર જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી ખાનપુર તાલુકામાં ઝરમર વરસાદની શરૂઆત થઈ છે. મોટા ખાનપુર, નાના ખાનપુર, કારંટા, ભાદરોડ અને રંગેલી સહિતના ગામોમાં સવારથી ઝરમર વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્ય સરકારે લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સલામત સ્થળે રહેવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત ખેડૂતોને તકેદારી રાખવા માટે માર્ગદર્શિકા બહાર પડાઇ છે. ખેતરમાં પડેલો પાક ન પલળે તે માટે સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.