Get The App

અમદાવાદમાં વિરોધ: મંદિર-મસ્જિદ, હિન્દુ-મુસ્લિમના નામે મત આપ્યા, હવે રસ્તા, ભ્રષ્ટાચાર, ગંદકીનો વિરોધ કરવો નહીં!

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં વિરોધ: મંદિર-મસ્જિદ, હિન્દુ-મુસ્લિમના નામે મત આપ્યા, હવે રસ્તા, ભ્રષ્ટાચાર, ગંદકીનો વિરોધ કરવો નહીં! 1 - image


Protest in Khokhara: પૂર્વ અમદાવાદના નિકોલ, નરોડા, બાપુનગર, ઠક્કરબાપાનગર, સરદારનગર, ઈન્ડિયા કોલોનીથી માંડીને મણિનગર સુધીના વિસ્તારમાં ઠેર ઠેર ખોદાયેલા રસ્તા પર લોકો હાડમારી વેઠી રહ્યા છે. ચોમાસા પહેલાં તમામ કામ અધિકારીઓ પાસે પૂરા કરાવવામાં મ્યુનિના સત્તાધીશો નિષ્ફળ નીવડ્યા છે. ત્યારે ખોખરા વિસ્તારમાં રસ્તા પર 'મંદિર-મસ્જિદ, હિન્દુ-મુસ્લિમના નામે મત આપ્યા! હવે રસ્તા, ભ્રષ્ટાચાર, ગંદકીનો વિરોધ કરવો નહીં' કંઈક આવા લખાણ સાથે બેનર લગાવી નાગરિકો દ્વારા પસ્તાવારૂપી કટાક્ષ કરવામાં આવ્યો છે. જોકે આ ફક્ત ખોખરાની વેદના નથી, આખા પૂર્વમાં લોકોના મનમાં આવી લાગણી પેદા થઈ છે. 

અમદાવાદમાં વિરોધ: મંદિર-મસ્જિદ, હિન્દુ-મુસ્લિમના નામે મત આપ્યા, હવે રસ્તા, ભ્રષ્ટાચાર, ગંદકીનો વિરોધ કરવો નહીં! 2 - image

નાના ચિલોડા, રામોલ-હાથીજણ, નિકોલથી લાંભા અને નારોલ સુધીના નવા ભળેલા વૉર્ડમાં ખોદાયેલા રસ્તાઓ પર વાહનો ફસાઈ જવાની ઘટનાઓ રોજિંદીબની છે. મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશોની બેદરકારી અંગે શહેરીજનોમાં તીવ્ર રોષની લાગણી પેદા થઈ છે. ત્યારે આ લાગણી ખોખરા વિસ્તારમાંથી બહાર આવવાની શરૂઆત થઈ છે. અહીં 132 ફૂટ રિંગ રોડથી જાડેજા કોર્નર સુધીના ખોદાયેલા રોડના કારણે મુશ્કેલ સ્થિતિ પેદા થતા લોકોએ સત્તાધીશો પર કટાક્ષ કરતા બેનર લગાવ્યા છે. ખોખરા નાગરિક સેવા સમિતિના નામે લાગેલા આ બેનરોમાં કરાયેલું લખાણ ફક્ત આ વિસ્તાર જ નહી, પરંતુ પૂર્વના મોટાભાગના વોર્ડના હેરાન લઇ રહેલા શહેરીજનોની લાગણીરૂપ હોવાનું લોકો માની રહ્યા છે. 

ચોમાસા પહેલા રસ્તા પર ખોદકામ કરાયું હોય તેવા તમામ કામ પૂર્ણ કરી લેવાના હોય છે, એટલું જ નહીં નવા ખોદકામ પણ બંધ રાખવાના હોય છે. મ્યુનિ. ના અધિકારીઓએ પોતાની મનમરજી મુજબ કામગીરી ચાલુ જ રાખી. ચોમાસા પહેલાં કામ પુરા કરવાના કોઇ પ્રયાસ કર્યા નહી. સામાપક્ષે સત્તાધીશોએ પણ અધિકારીઓને ટકોર કરવાના બદલે છાવર્યા, પરિણામે હવે લોકોને હાડમારી વેઠવાનો વારો આવ્યો છે. 

આ પણ વાંચો: બનાસકાંઠા જળબંબાકાર: વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ, શાળાઓમાં રજા જાહેર, ઘર-દુકાનોમાં પાણી ઘૂસ્યા

કામ મોડું ચોક્કસ થયું છે, પરંતુ વિરોધ કોંગ્રેસ પ્રેરિત છેઃ કાઉન્સિલર

ખોખરા વોર્ડના મ્યુનિ. કાઉન્સિલર કમલેશ પટેલે જણાવ્યું છે કે, રસ્તો તોડવાનો હોવાથી કમિશનરની મંજૂરી સહિતની પ્રક્રીયાના કારણે કામ મોડું ચોક્કસ થયું છે. લોકોને મુશ્કેલી પણ પડી રહી છે, પરંતુ હાલ કરાયેલો વિરોધ કોંગ્રેસ પ્રેરિત છે. આ વિસ્તારમાં 50 વર્ષથી વરસાદી પાણી ભરાતા હતા. જે પ્રશ્ન ઉકેલવા 1200 એમએમ ડાયાની સ્ટોર્મ વોટર લાઈન નંખાઈ રહી છે. આ કામ માટે ખોદકામ કરાયું હોવાથી સાથે સાથે તેમાં જ પાણીની પણ નવી લાઈન નાંખી આપવામાં આવી છે. સતત વરસાદ વરસી રહ્યો હોવાથી કામ અટકી પડયું છે. બે દિવસનો ઉઘાડ નીકળે એટલે તરત જ રસ્તો વ્યવસ્થિત કરી દેવાશે.


Tags :