Ahmedabad Crime News: અમદાવાદમાં નરોડા પોલીસે બે વર્ષથી નાસતા ફરતા એક અપહરણના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીના પિતાને B.L.O. તરીકે ઓળખ આપીને ફોન કર્યો હતો અને આ રીતે મહેસાણાથી આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી હતી.
મળતી માહિતી મુજબ, નરોડા પોલીસની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી ચાલી રહી હતી. જે અંતર્ગત વર્ષ 2023માં નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં સગીર દીકરીને ભગાડી જનાર શખ્સની શોધખોળ ચાલી રહી હતી. આ ગુનામાં આરોપી રોહિત ઠાકોર છેલ્લા બે વર્ષથી ફરાર હતો.
પોલીસે પિતાને વિશ્વાસમાં લઈ મેળવ્યો મોબાઈલ નંબર
પોલીસને આરોપી રોહિતના પિતા શનાજી ઠાકોરનો મોબાઈલ નંબર મળ્યો હતો. એક પોલીસ કર્મચારીએ શનાજીને ફોન કરીને જણાવ્યું કે તેઓ કલેક્ટર ઓફિસમાંથી બી.એલ.ઓ. તરીકે બોલી રહ્યા છે અને ચૂંટણી કાર્ડ કઢાવવા માટે ફોર્મ ભરવું પડશે. પોલીસકર્મીએ ઘરમાં સભ્યોની સંખ્યા જેવી વિગતો પૂછીને તેમનો વિશ્વાસ જીતી લીધો હતો. બાદમાં, તેમને દીકરા રોહિતના લગ્ન વિશે પૂછપરછ કરી અને તેનો મોબાઈલ નંબર માંગ્યો હતો. આરોપીના પિતાએ તેમના મોબાઈલમાંથી રોહિત ઠાકોરનો નંબર આપી દીધો હતો.
ટ્રુ કોલર અને લોકેશનથી ઝડપાયો આરોપી
પોલીસે શનાજી દ્વારા આપવામાં આવેલો મોબાઈલ નંબર ટ્રુ કોલરમાં નાખ્યો, જ્યાં રોહિત ઠાકોરનું નામ આવતાં પોલીસે કન્ફર્મ કર્યું હતું કે, આ જ વ્યક્તિ સગીરાને ભગાડી ગયો છે. પોલીસે તાત્કાલિક રોહિતના મોબાઈલનું લોકેશન મેળવ્યું, જે મહેસાણાના શોભાસણ ગામ નજીકની નેનો સિરામિક કંપનીનું આવ્યું હતું. નરોડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક મહેસાણા પહોંચ્યો અને લોકેશનવાળી જગ્યાએથી ભોગ બનનાર સગીરા અને આરોપી રોહિત ઠાકોરને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને ભોગ બનનાર સગીરાને મેડિકલ સારવાર માટે મોકલી આપી હતી.


