ભારે વિવાદ બાદ અમદાવાદમાં ટ્રાફિક જાગૃતિના નામે લગાવેલા બેનર્સ હટાવાયા, NGOને અપાઈ કડક સૂચના
Controversial poster Remove: અમદાવાદમાં તાજેતરમાં ટ્રાફિક જાગૃતિના નામે લગાવવામાં આવેલા કેટલાક પોસ્ટરો વિવાદનું કેન્દ્ર બન્યા હતા. આ પોસ્ટરોમાં મહિલાઓ માટે શરમજનક અને છીછરી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિવાદ વધતા આખરે ટ્રાફિક પોલીસ દ્વારા ઘાટલોડિયા, ચાણક્યપુરી અને સેટેલાઈટ જેવા વિસ્તારોમાંથી વિવાદિત લખાણવાળા પોસ્ટરોને હટાવી દેવામાં આવ્યા છે. હવે માત્ર ટ્રાફિક જાગૃતિ માટેના જ પોસ્ટરો રાખવામાં આવ્યા છે.
તંત્રએ જણાવ્યું છે કે ભવિષ્યમાં આ પ્રકારની પરવાનગીનો દુરુપયોગ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. આયોજકોને પણ સૂચના આપવામાં આવી છે કે જાહેર સંદેશા માટે જે હેતુથી પરવાનગી માંગવામાં આવી હોય, તેનું કડકપણે પાલન કરવું અનિવાર્ય છે.
શું હતો વિવાદ?
સતર્કતા ગ્રુપ દ્વારા અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જાગૃતિ માટે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. જોકે, આ પોસ્ટરોમાં મહિલાઓને રાત્રે પાર્ટીમાં ન જવા અને રેપનો ભોગ બની શકે તેવી ચેતવણી આપતા લખાણો હતા. આ બેનર પર લખવામાં આવ્યું હતું કે 'એ...રંગલા અંધારામાં સૂમસામ જગ્યાએ રંગલીને લઈ જવાય નહીં... રેપ-ગેંગરેપ થઈ જાય તો....? અન્ય એક બેનરમાં લખવામાં આવ્યું હતું કે 'એ...રંગલા રાતની પાર્ટીઓમાં જવાનું નહીં... રેપ-ગેંગરેપ થઈ શકે છે.’ જેના પર ભારે વિવાદ થયો હતો. આ પોસ્ટરોમાં ઉપયોગમાં લેવાયેલી ભાષા અને સંદેશાને કારણે સોશિયલ મીડિયા પર પણ ટીકા થઈ હતી.
આ પણ વાંચો: સૂમસામ જગ્યાએ રંગલીને લઈ જવાય નહીં... નવરાત્રિ નજીક છે ત્યારે અમદાવાદમાં લાગ્યા વિવાદાસ્પદ બોર્ડ
સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ
અમદાવાદ ટ્રાફિક ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે 'સોશિયલ મીડિયા અને કેટલાક રિપોર્ટસના આધારે વિવાદિત પોસ્ટરો અંગે માહિતી પ્રાપ્ત થઇ હતી કે અમદાવાદના કેટલાક વિસ્તારો છોકરીઓએ એકલામાં જવાની કે પાર્ટીમાં જવા માટે આપત્તિજનક ટીપ્પણીઓ દર્શાવતા બેનર સતર્કતા ગ્રુપ દ્વારા લગાવવામાં આવ્યા છે. જેમાં નીચે સ્પોન્સર બાય ટ્રાફિક પોલીસ એમ લખવામાં આવ્યું હતું. આ ઘટનાને ધ્યાને લઇ તાત્કાલિક બેનરો દૂર કરવામાં આવ્યા હતા અને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગના ટ્રાફિક જાગૃતિને લઇને બેનર લગાવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ ટ્રાફિક અવરનેસના દાયરાથી બહાર જઇને આ પ્રકારના વિવાદાસ્પદ બેનર લગાવવામાં આવતાં સોલા પોલીસમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં આ બેનર કોની પરવાનગીથી લગાવવામાં આવ્યા હતા? શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરવાનગી લીધી હતી કે નહી? કયા ઉદ્દેશ્યથી લગાવવામાં આવ્યા હતા અને કોના દ્વારા લગાવવામાં આવ્યા હતા. આ વિભિન્ન પાસાઓને તપાસ કરવામાં આવશે. જો તપાસમાં કોઇનો ક્રિમિનલ ઇરાદો હશે તો આગળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ભવિષ્યમાં આવા પોસ્ટરો ન લગાવવા કડક સૂચના
આ મામલે ટ્રાફિક ડીસીપી નીતા દેસાઇએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, 'સતર્કતા ગ્રુપ દ્વારા ટ્રાફિક જાગૃતિમાં મદદ કરવા માટે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓએ આવા પ્રકારના વિવાદિત પોસ્ટરો બતાવ્યા ન હતા. જ્યારે આ પોસ્ટરો ધ્યાનમાં આવ્યા, ત્યારે વિવાદિત હોવાથી તેને તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા છે.' તેમણે વધુમાં જણાવ્યું કે, 'સતર્કતા ગ્રુપનો બદઈરાદો ન હતો. ભવિષ્યમાં આવા પોસ્ટરો ન લગાવવા માટે સતર્કતા ગ્રુપને કડક સૂચના આપવામાં આવી છે.'
અમે આવી ભાષાને ક્યારેય મંજૂરી આપી નથી
આ અંગે એડિશનલ કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક) એન. એન. ચૌધરીએ ટ્રાફિક પોલીસે જાહેરાત માટે મંજૂરી આપી ન હોવાની સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, આ પ્રકારના બેનરને મંજૂરી આપવામાં આવી ન હતી. અમે ટ્રાફિક જાગૃતિ માટે મંજૂરી આપી હતી પરંતુ અમે આવી ભાષાને ક્યારેય મંજૂરી આપી નથી.
ટ્રાફિક પોલીસની સ્પષ્ટતા
અમદાવાદ ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરીને સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગને ટ્રાફિક ઓવેરનેસ માટે મદદ કરવા માટે સતર્કતા ગ્રુપ NGO દ્વારા ટ્રાફિક અવેરનેસના પોસ્ટરો ટ્રાફિક પોલીસના સંકલનમાં લગાવામાં આવતા હતા અને અમદાવાદ શહેરમાં ટ્રાફિક અવેરનેસ નું કામ કરી રહ્યા હતા. પરંતુ આ પોસ્ટર NGO એ પોલીસની જાણ બહાર લગાવેલા હતા. અમદાવાદ શહેર પોલીસને જાણ થતા તાત્કાલિક બધા પોસ્ટરો હટાવી દેવાયા છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા આવા પોસ્ટર લગાવવા કોઇ પણ સૂચના આપવામાં આવી ન નથી. NGO એ પોતાની રીતે આ પોસ્ટર લગાવેલા હતા.