Ahmedabad plane crash: છ છ મહિનાના વાણા વીતી ગયા છતાં પણ તપાસ તપાસ અને તપાસ, ન કોઈ જવાબ બસ બધુ જ અધ્ધરતાલ, આ વેદના હાલ અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતોની છે. કારણ કે અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયાના છ મહિના પછી પણ, તપાસકર્તાઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં મુખ્ય ફ્લાઇટ ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છે, પીડિતોના પરિવારો હજુ પણ સ્પષ્ટ જવાબોની રાહ જોઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ પ્લેન ક્રેશનો કેસ લડી રહેલા US વકીલ માઇક એન્ડ્રુઝે ચાલુ તપાસ, વળતરમાં વિલંબ અને ફરિયાદીની ચિંતાઓ અંગે વાત કરી છે.
'પાઇલટની ભૂલ અંગે અટકળો વહેતી કરી દેવાઈ હતી'
ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) સાથે સહયોગ કરવા માટે વોશિંગ્ટન ડીસીની મુલાકાત કરી છે. તેઓ ફ્લાઇટ 171ના કોકપીટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જે ક્રેશ પહેલાની ક્ષણોને સમજવા માટે મહત્વપૂર્ણ છે. પાઇલટના પિતાએ સ્વતંત્ર સમીક્ષા અને વધુ પારદર્શિતાની માંગ કરતી અરજી દાખલ કરતાં હાલ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. કારણ કે પ્રારંભિક ખુલાસાઓમાં કોઈ ચોક્કસ નિષ્કર્ષ આપવામાં આવ્યું નથી છતાં પણ પાઇલટની ભૂલ અંગે અટકળો વહેતી કરી દેવાઈ હતી.
'હાલ નિષ્કર્ષ કાઢવું વહેલું'
ત્યારે એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાના 130થી વધુ અસરગ્રસ્ત પરિવારોનું પ્રતિનિધિત્વ કરતા યુએસ વકીલ માઇક એન્ડ્રુઝે સમગ્ર કેસ પર ખૂલીને વાત કરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે ' આ તબક્કે નિષ્કર્ષ કાઢવાનું વહેલું હશે કારણ કે હાલમાં વિમાન ડિઝાઇનની સમસ્યાઓ અને જાળવણીમાં નિષ્ફળતાઓ સહિત અનેક સંભવિત કારણોની હજુ પણ તપાસ ચાલી રહી છે.
'જમીન પરના ભોગ બનેલા લોકો મુસાફરો જેવો જ કાનૂની ન્યાય માંગે છે'
એન્ડ્રુઝેએ કહ્યું કે 'મેં બે વાર દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી, પહેલી ઘટનાના થોડા સમય પછી અને બીજી ઘટનાના બે મહિના બાદ, ત્યારે કાટમાળ મોટાભાગે દૂર કરવામાં આવ્યો હતો અને તે જગ્યાને ફરીથી ખોલવામાં આવી હતી, મેં જોયું કે ઇમારતો અને વૃક્ષો પર બળી ગયેલા નિશાન દેખાતા હતા. વિસ્તારમાં ખૂબ મોટાપાયે માળખાકીય નુકસાન થયેલું દેખાતું હતું. એન્ડ્રુઝના મતે જમીન પરના ભોગ બનેલા લોકોના પરિવારો મુસાફરોના સંબંધીઓ જેવી જ કાનૂની પ્રક્રિયા દ્વારા ન્યાય માંગે છે. કેમ કે આ દુર્ઘટનામાં અમદાવાદથી ગેટવિક જતી ફ્લાઇટ AI171 ના એક સિવાયના બધા મુસાફર અને ક્રૂ સભ્યો અને જમીન પર રહેલા અનેક લોકો માર્યા ગયા હતા. આમાં નજીકના મેડિકલ કોલેજ બિલ્ડિંગની અંદર રાહદારીઓ અને બાળકોનો પણ સમાવેશ થતો હતો.
બોઇંગની ભૂમિકા અંગે શું બોલ્યા એન્ડ્રુઝ?
સમગ્ર વાતચીત દરમિયાન યુએસ એટર્ની માઇક એન્ડ્રુઝે બોઇંગની ભૂમિકા અંગે પણ કહ્યું હતું કે' જો વિમાનને બનાવનાર કંપની જવાબદાર હશે તો યુએસ કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. યુએસ કાનૂની પ્રણાલી આવા કેસોમાં વિગતવાર તપાસની મંજૂરી આપે છે. જેનાથી જ્યુરી જવાબદારી નક્કી કરી શકે, આવા કિસ્સામાં કોઈપણ વળતરનો નિર્ણય જ્યુરી દ્વારા લેવામાં આવશે.
'નાની રકમના બદલામાં કાનૂની મુક્તિ..': એન્ડ્રુઝને ચિંતા
આ બાદ ચિંતા વ્યક્ત કરતાં એન્ડ્રુઝે કહ્યું કે 'અમુક અહેવાલો છે કે કે કેટલાક પરિવારોને નાની રકમના બદલામાં કાનૂની મુક્તિ દસ્તાવેજો પર સહી કરવાનું કહેવામાં આવ્યું છે. અમે વાર્તાઓ સાંભળી છે, અને પ્રમાણિકપણે કહું તો, તે ખૂબ જ ચિંતાજનક છે કે કેટલાક પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને ખૂબ જ ઓછી રકમના બદલામાં એર ઇન્ડિયા, બોઇંગ અને અન્ય કોઈપણ સામે કાયદાકીય સંઘર્ષ સામે સમાધાન કરવાની વાત છે.'
ઘણા પરિવારોને વળતરની સંપૂર્ણ રકમ મળી નથી
બીજી તરફ તેમણે (માઇક એન્ડ્રુઝ) અંગત સામાન વિશે વાત કરતાં જણાવ્યું કે 25,000થી વધુ અંગત વસ્તુઓ મળી આવી છે જેને સૂચિબદ્ધ કરી દેવાઈ છે અને તપાસ બાદ પરિવારોને પરત કરવામાં આવી રહી છે. ઓળખી શકાય તેવા ટૅગ્સવાળી વસ્તુઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જ્યારે અન્ય વસ્તુઓમાં વધુ સમય લાગી શકે છે. એન્ડ્રુઝના મતે, અમદાવાદ અને ગુજરાતના અન્ય ભાગોમાં કેટલાક પરિવારોને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ ₹4 લાખનું વળતર મળવાનું શરૂ થઈ ગયું છે. મુંબઈમાં મોટાભાગના પરિવારો હજુ પણ રાહ જોઈ રહ્યા છે, જેમાં વિલંબ સંભવતઃ ખોટી વાતચીત અને જટિલ પ્રક્રિયાની સમસ્યાઓને કારણે થયો છે. વળતર અને ન્યાય અલગ બાબતો છે. પરિવારોને વિવિધ વચગાળાની રાહત મળી છે, જેમાં એર ઇન્ડિયા તરફથી ₹25 લાખ અને ટાટા ગ્રુપ દ્વારા જાહેર કરાયેલ ₹1 કરોડનું વળતરનો સમાવેશ થાય છે. જોકે, ઘણા પરિવારોને હજુ સુધી ટાટા ગ્રુપ દ્વારા જાહેર કરાયેલ સંપૂર્ણ રકમ મળી નથી, કારણ કે પીડિતોની કાળજીપૂર્વક ઓળખ કરવામાં આવી રહી છે. એન્ડ્રુઝના મતે, હજુ પણ બોઇંગ અને સંબંધિત જવાબદારો સામે સંભવિત કેસોની સાથે, મોન્ટ્રીયલ કન્વેન્શન હેઠળ એર ઇન્ડિયા સામે વધારાના દાવાઓ પણ દાખલ કરી શકાય છે.


