અમદાવાદ પ્લેન દુર્ઘટના: FSLના નિષ્ણાતોનું અદમ્ય સમર્પણ, અંગત મુશ્કેલીઓ છતાં DNA પરીક્ષણમાં દિવસ-રાત ખડે પગે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Plane Crash, DNA Test Process : અમદાવાદમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાએ અનેક પરિવારોને ક્યારેય ન ભુલાય તેવી પીડા આપી છે. જ્યારે મૃતકોના દેહોની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે, ત્યારે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે ફરજ બજાવતા 36 જેટલા ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ દિવસ રાત DNA પરીક્ષણની કામગીરીમાં ખડે પગે છે, જેથી પીડિત પરિવારોને તેમના સ્વજનોની ઓળખ મળી શકે.
DNA પરીક્ષણ માટે નિષ્ણાતની ટીમ 24 કલાક કાર્યરત
આ 36 સમર્પિત નિષ્ણાતોની ટીમમાં એવા અનેક લોકો છે જેઓ અંગત જીવનની કપરી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા હોવા છતાં પોતાની ફરજને સર્વોપરી માની રહ્યા છે. એક એવા ફોરેન્સિક નિષ્ણાત છે જેમના માતૃશ્રીનું હૃદય માત્ર 20 ટકા જ કાર્ય કરી રહ્યું છે અને તેમની તાત્કાલિક સર્જરી કરાવવાની છે. આમ છતાં, પોતાના અંગત દુઃખ અને ચિંતાને બાજુએ મૂકીને આ નિષ્ણાત વિમાન દુર્ઘટના સંબંધે DNA પરીક્ષણ માટે FSL ખાતે 24 કલાક કાર્યરત છે.

આ ઉપરાંત, DNA પરીક્ષણ માટે FSL ખાતે હાજર 8 મહિલા નિષ્ણાતો એવી છે જેમના બાળકોની ઉંમર 3 વર્ષ કે તેથી ઓછી છે. નાના બાળકોની સતત કાળજી અને તેમની ચિંતા દરેક માતા માટે સ્વાભાવિક હોય છે. પરંતુ આ મહિલા નિષ્ણાતોએ પોતાની માતૃત્વની લાગણીઓને પણ એક તરફ રાખીને દિવસ રાત DNA પરીક્ષણની કામગીરીમાં પોતાને સમર્પિત કરી દીધી છે. તેમની આ નિઃસ્વાર્થ સેવા અને ફરજનિષ્ઠા તેમના વ્યાવસાયિકતા અને કરુણાનું ઉત્તમ ઉદાહરણ છે.
આવા અનેક અજાણ્યા હીરો પોતાની અંગત મુશ્કેલીઓનો સામનો કરીને પણ પીડિત પરિવારોને ન્યાય અપાવવા અને તેમને શાંતિ પ્રદાન કરવા માટે અથાક મહેનત કરી રહ્યા છે. તેમનું આ સમર્પણ માનવતાની ભાવનાને ઉજાગર કરે છે.









