અમદાવાદ પ્લેન ક્રેશ : 19 મૃતકોના અવશેષોની હૉસ્પિટલ તંત્રે અંતિમ વિધિ પૂર્ણ કરી
Ahmedabad Plane Crash News: અમદાવાદમાં 12 જૂનના રોજ બનેલી હૃદયદ્રાવક પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભયાનક વિસ્ફોટના કારણે લોકો આગમાં ભડથું થયા હતા. તેમના મૃતદેહોની ઓળખ ડીએનએ સેમ્પલ મેચના આધારે થઈ રહી છે. સ્વજન, વ્હાલસોઈ વ્યક્તિની આપણી વચ્ચેથી વિદાય થવી તે જીરવવું કોઈ પણ માટે કપરું હોય છે. તેમાં પણ જ્યારે સ્વજનનો મૃતદેહ ઓળખી પણ શકાય નહીં તેવી સ્થિતિમાં આવે અને તેમના અવશેષોના ટુકડા જેમ-જેમ મળે તેમ અંતિમ વિધિ કરવી પડે તો તેમાં સ્વજનની પીડાને વર્ણવી શકાય જ નહીં. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ક્રેશ સાઇટ ખાતે મળી આવેલા માનવ અંગોના ડી.એન.એ. સેમ્પલ મેચિંગ પ્રક્રિયા બાદ તમામ નશ્વર અવશેષોની અંતિમ વિધિ સન્માનપૂર્વક સંપન્ન કરવામાં આવી છે.
ડીએનએ મેચિંગ પ્રક્રિયા ચાલુ
અમદાવાદમાં થયેલા પ્લેનક્રેશને 26 દિવસ પૂરા થયા છે. પ્લેનક્રેશ થયાના 3 સપ્તાહ સુધી ઘટનાસ્થળેથી છૂટાછવાયા માનવ અવશેષો મળી આવ્યા હતા. દરેક અવશેષોના ડી.એન.એ મેચ કરી ઓળખ પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી. ડી.એન.એ. સેમ્પલ મેચિંગની પ્રક્રિયા દરમિયાન હૉસ્પિટલ તંત્ર દ્વારા મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી કે, માનવ અંગોના ડી.એન.એ સેમ્પલ મેચિંગ પ્રક્રિયા ચાલુ હોવાથી ભવિષ્યમાં તેમના પરિવારજનોના નશ્વર અવશેષો મળી શકે છે.
26 ડીએનએ મેચ થયા, 7 પરિવારોએ માનવ અંગો સ્વીકાર્યા
સેમ્પલ મેચિંગની પ્રક્રિયાને અંતે કુલ 26 જેટલા મૃતકોના નશ્વર અવશેષો મળી આવતા તમામ સંબંધિત પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ પૈકી 7 પરિવારો તેમના સ્વજનોના અંગો અંતિમ વિધિ માટે લઈ ગયા હતા. બાકીના પરિવારોએ હૉસ્પિટલ તંત્રને તેમની તરફથી અંતિમ વિધિ કરવા કહ્યું હતું. જેથી 19 લોકોની અંતિમ વિધિ સરકારી તંત્ર દ્વારા પૂરી કરવામાં આવી હતી.
વાડજ સ્મશાન ઘાટે પૂર્ણ કરી અંતિમ વિધિ
19 મૃતકોના નશ્વર અવશેષોની અંતિમ વિધિ કરવાની હતી તેમાંથી એક મુસ્લિમ વ્યક્તિની દફન વિધિ સંપૂર્ણ સન્માન સાથે મુસ્લિમ વિધિ પ્રમાણે મૌલવી દ્વારા કુરાન શરીફની આયત વાંચીને કરવામાં આવી હતી. 18 હિન્દુ મૃતકોના નશ્વર અવશેષોની અંતિમ ક્રિયા હિન્દુ શાસ્ત્રક્ત વિધિ પ્રમાણે વાડજ સ્મશાનમાં કરવામાં આવી હતી. તમામના અસ્થિને સંપૂર્ણ સન્માન સાથે સાબરમતીના નારણ ઘાટ પર વિસર્જિત કરવામાં આવ્યા હતા. સિવિલ હૉસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ , ફોરેન્સિકના વડા, મેડિકલ ઑફિસર્સ, રેસિડેન્ટ ડૉક્ટર્સ, પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અંતિમ વિધિ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.