અમદાવાદ પ્લેન ક્રેશઃ એર ઇન્ડિયાના પાઇલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર, પિતાએ ભીની આંખે આપી વિદાય

Sumit Sabharwal Funeral : અમદાવાદમાં 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થયેલા એર ઈન્ડિયાના વિમાનના પાઇલટ કેપ્ટન સુમિત સભરવાલનો પાર્થિવ દેહ મંગળવારે મુંબઈ લાવવામાં આવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, સુમિત સભરવાલના પાર્થિવ દેહને લઈને એક ટીમ સવારે ફ્લાઈટ દ્વારા મુંબઈ એરપોર્ટ પહોંચી હતી. અહીંથી સુમિતના પરિવારના સભ્યો તેને પવઈના જલ વાયુ વિહાર સ્થિત તેમના નિવાસસ્થાને લઈ ગયા હતા. 56 વર્ષીય સુમિત સભરવાલ મુંબઈમાં તેમના વૃદ્ધ માતા-પિતા સાથે રહેતા હતા.
સુમિત સભરવાલના ઘણાં મિત્રો અને સંબંધીઓ તથા સ્થાનિક રહેવાસીઓ શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના ઘરની બહાર એકઠા થયા હતા. ઉદ્યોગપતિ નિરંજન હીરાનંદાની અને સ્થાનિક ધારાસભ્ય દિલીપ લાંડેએ પણ સભરવાલને શ્રદ્ધાંજલિ આપી હતી. સુમિત સભરવાલના પિતા પુષ્કરરાજ સભરવાલ અને અન્ય સંબંધીઓ પણ શ્રદ્ધાંજલિ આપતા જોવા મળ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે પાઇલટના પાર્થિવ દેહને લઈ જતી શબવાહિની બાદમાં ચકલા વિદ્યુત સ્મશાનગૃહ પહોંચ્યો હતો જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. સુમિત સભરવાલના પિતાએ અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી હતી.
આ પણ વાંચો: અમરેલીમાં કોઝવે પર ફસાઈ કાર: કાચ તોડી બોનટ પર બેઠા યુવકો, પોલીસ-ફાયર વિભાગે કર્યા રેસ્ક્યૂ
242 મુસાફરો અને ક્રૂ સભ્યોને લઇને લંડન જઇ રહેલું એર ઈન્ડિયાનું વિમાન AI-171 12 જૂને અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં સવાર એક મુસાફરનો આબાદ બચાવ થયો હતો. આ સિવાયના તમામ મુસાફરો અને કેટલાક સ્થાનિકોના પણ મોત નીપજ્યા હતા. ડીજીસીએ જણાવ્યું હતું કે, 'વિમાને અમદાવાદથી રનવે 23 પરથી 1339 IST (12 જૂન)ના રોજ ઉડાન ભરી હતી. તેણે ATCને MAYDAY કોલ કર્યો હતો, પરંતુ કોલનો કોઈ જવાબ આપ્યો નહોતો.'
આ દરમિયાન મહારાષ્ટ્રના રાયગઢમાં અમદાવાદ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વિમાનની ક્રૂ મેમ્બર મૈથિલી પાટીલને અંતિમ વિદાય આપવામાં આવી હતી. અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા એર ઈન્ડિયાના મુસાફર વિમાનની ક્રૂ મેમ્બર મેથિલી પાટીલનો પાર્થિવ દેહ ન્હાવા ગામ સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. તેમના સ્વજનો આ દુઃખની ઘડીમાં એકબીજાને સાંત્વના આપતા જોવા મળ્યા હતા. સમગ્ર વિસ્તાર શોકગ્રસ્ત હતો અને સૌની આંખોમાં આંસુ હતા. મોટી સંખ્યામાં લોકો મેથિલીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

