અમદાવાદમાં શિક્ષક સાથે LC બાબતે માથાકૂટમાં વાલીએ છરી વડે હિંસક હુમલો કર્યો
Ahmedabad News: અમદાવાદમાં શિક્ષણ જગતમાં ફફડાટ ફેલાવે તેવી ઘટના સામે આવી છે. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી નૂતન ભારતી વિદ્યાલયમાં લિવિંગ સર્ટિફિકેટ લેવા માટે આવેલા એક વાલીએ શિક્ષકને તમાચો ઝીંકી દીધો હતો અને ત્યારબાદ ખિસ્સામાંથી છરી કાઢી હુમલો કર્યો હતો. આ ઘટનામાં શિક્ષકના માથા પર છરી વાગતાં ઇજા પહોંચી હતી અને શિક્ષકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. આ ઘટનાને લઇને શિક્ષકે વાલી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે (28 જૂન) મુસ્તાક અહેમદ રખિયાલમાં આવેલી નૂતન ભારતી વિદ્યાલયમાં પોતાની દિકરીનું એલ.સી લેવા માટે ગયા હતા. જ્યાં તેઓ પ્રિન્સિપાલને મળ્યા હતા, ત્યાર ક્લાર્ક કમ શિક્ષકને મળ્યા હતા અને એલ.સી. લેવા બાબતે વાત કરી હતી. ત્યારે સ્કૂલના ક્લાર્ક શબ્બીરભાઇએ શુક્રવારે એલ.સી. લઇ જવા જણાવ્યું હતું. તેને લઇને મુસ્તાક અહેમદ ઉશ્કેરાઇ ગયા હતા અને કહ્યું કે 'પ્રિન્સિપાલે સોમવારે સર્ટિફિકેટ આપવાનું કહ્યું છે તો તું કેમ મને શુક્રવારનું કહે છે.'
આ પણ વાંચો: મહેસાણાના કડી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 3.6 ઇંચ વરસાદ, 24 કલાકમાં 189 તાલુકા ભીંજાયા
આટલી નજીવી બાબતને લઇને મુસ્તાક અહમદે શિક્ષકને લાફો મારી દીધો હતો અને ત્યારબાદ માથાના ભાગમાં છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ સ્કૂલનો સ્ટાફ જમા થઇ ગયો હતો અને ઇજાગ્રસ્ત શિક્ષકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને 7 ટાંકા આવ્યા હતા. આ બનાવને લઇને શિક્ષકે મુસ્તાક અહમદ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.