Get The App

અમદાવાદ: બાપુનગરમાં યુવકે દાદાગીરીનો વિરોધ કર્યો તો ચાની કીટલી પર આંતરી હિચકારો હુમલો, CCTVમાં દ્રશ્યો કેદ

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: બાપુનગરમાં યુવકે દાદાગીરીનો વિરોધ કર્યો તો ચાની કીટલી પર આંતરી હિચકારો હુમલો, CCTVમાં દ્રશ્યો કેદ 1 - image


Ahmedabad News: અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં દાદાગીરીનો વિરોધ કરનાર એક યુવક પર ત્રણ શખ્સોએ ચાની કીટલી પાસે ધોકા, ખુરશી અને કુહાડી જેવા હથિયારો વડે હિચકારો હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવક પોતાનો જીવ બચાવવા ભાગ્યો હોવા છતાં, આરોપીઓએ તેનો પીછો કરી તેને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હાલ ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે બાપુનગર પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.

શું હતી સમગ્ર ઘટના?

ભોગ બનનાર યુવક સાહિલ શેખ બાપુનગરમાં જ રહે છે અને સ્ટીમ પ્રેસનું કામ કરે છે. પોલીસ ફરિયાદ અનુસાર, અયાન ઉર્ફે માયા, ફૈઝાન ઉર્ફે ભીમ પઠાણ અને આવેશ મિર્ઝા નામના ત્રણ શખ્સો વિસ્તારમાં પોતાનો રોફ જમાવતા હતા, જેનો સાહિલે અગાઉ વિરોધ કર્યો હતો. આ વાતની અદાવત રાખીને, જ્યારે મોડી રાત્રે સાહિલ ચાની કીટલી પર ઊભો હતો ત્યારે આ ત્રિપુટી ઝઘડો કરવાના ઈરાદે ત્યાં પહોંચી ગઈ હતી.

પીછો કરીને કુહાડીથી કર્યો હુમલો

સાહિલ કંઈ સમજી શકે તે પહેલાં જ ત્રણેય આરોપીઓએ તેને અપશબ્દો બોલી માર મારવાનું શરૂ કરી દીધું હતું. હથિયારોના ડરથી સાહિલ પોતાનો બચાવ કરવા અજીત મિલ કમ્પાઉન્ડ તરફ દોડ્યો, પરંતુ હુમલાખોરોએ તેનો પીછો છોડ્યો નહીં. પાછળથી દોડીને તેમણે સાહિલના માથામાં કુહાડીનો ફટકો મારતા તે જમીન પર પટકાયો હતો. ત્યારબાદ પણ આરોપીઓએ તેને દંડા અને પાઇપ વડે ફટકારવાનું ચાલુ રાખ્યું હતું.

આ પણ વાંચો: છોટા ઉદેપુર: ઉમેદવારોને લોકોના બહિષ્કારનો ભય, તંત્રને 'વોટિંગ' ઘટવાનો ડર! ભોગ બન્યા શાળાના બાળકો

બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જે જોઈને આરોપીઓ સાહિલને 'ભવિષ્યમાં વિરોધ કરીશ તો જાનથી મારી નાખીશું' તેવી ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યા હતા. હાલ પોલીસ આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.