Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં વૃક્ષોની ગણતરી (Tree Census) કરીને હરિયાળીનો ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ બીજી તરફ શહેરના પક્ષીપ્રેમીઓએ એક ગંભીર મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. એક તરફ તંત્ર વૃક્ષોની સંખ્યા ગણાવી રહ્યું છે, તો બીજી તરફ VVIP મુલાકાતો સમયે વૃક્ષો પર કરવામાં આવતા 'વોટર સ્પ્રે' પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.
વૃક્ષ ગણતરીના લેટેસ્ટ આંકડા
AMC દ્વારા હાથ ધરાયેલા પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં શહેરના 8 વૉર્ડમાં (જમાલપુર, બાપુનગર, મણિનગર, નારણપુરા, નવરંગપુરા, સાબરમતી, ખોખરા અને અસારવા) કામગીરી પૂર્ણ થઈ છે. બાકીના 40 વૉર્ડમાં ગણતરી ચાલુ છે. તાજેતરના ડેટા મુજબ:
કુલ નોંધાયેલા વૃક્ષો: 15,10,705 (19 ફેબ્રુઆરી 2026 સુધી).
વૃક્ષોની પ્રજાતિ: શહેરમાં કુલ 261 પ્રજાતિના વૃક્ષો મળી આવ્યા છે.
દુર્લભ વૃક્ષો: સફેદ બ્રાન્ચ પામ, રક્તચંદન, રૂખડો, કૃષ્ણ સિરિસ અને એલિફન્ટ ઇયર ટ્રી જેવી અતિ દુર્લભ વનસ્પતિઓ પણ નોંધાઈ છે.
અમદાવાદમાં છે વૃક્ષોનું વૈવિધ્ય: 261 પ્રજાતિઓ નોંધાઈ
AMCના આ પ્રોજેક્ટ દરમિયાન શહેરના પર્યાવરણને લઈને માહિતી સામે આવી છે. અત્યાર સુધીના ડેટા મુજબ અમદાવાદ શહેરમાં વૃક્ષોની કુલ 261 અલગ-અલગ પ્રજાતિઓ મળી આવી છે. આ ગણતરી દરમિયાન કેટલીક અત્યંત દુર્લભ (Rare) પ્રજાતિઓ પણ જોવા મળી છે, જે શહેરના જૈવ-વૈવિધ્ય માટે ગૌરવ સમાન છે.
જોવા મળેલી કેટલીક દુર્લભ પ્રજાતિઓ:
બ્રાન્ચ પામ (Hyphaene dichotoma): આ પામની એક વિશિષ્ટ પ્રજાતિ છે.
રક્તચંદન (Pterocarpus santalinus): આયુર્વેદિક અને આર્થિક રીતે કિંમતી ગણાતું વૃક્ષ.
રૂખડો (Adansonia digitata): જેને 'ગોરખ આમલી' તરીકે પણ ઓળખવામાં આવે છે.
એલિફન્ટ ઇયર ટ્રી: મોટા પાંદડા ધરાવતું વિદેશી મૂળનું વૃક્ષ.
કૃષ્ણ સિરિસ અને કોચલું: જેવી ઔષધીય અને પર્યાવરણીય મહત્ત્વ ધરાવતી પ્રજાતિઓ.
ડિજિટલ મેપિંગથી જતન કરાશેનો દાવો
AMCનો દાવો છે કે કરવામાં આવી રહેલી આ ગણતરી માત્ર આંકડા પૂરતી સીમિત નથી. દરેક વૃક્ષનું જીપીએસ લોકેશન અને તેની સ્થિતિ નોંધવામાં આવી રહી છે. આ ડેટાના આધારે ભવિષ્યમાં કયા વિસ્તારમાં વધુ વૃક્ષારોપણની જરૂર છે અને કઈ દુર્લભ પ્રજાતિઓને બચાવવાની જરૂર છે તેનું આયોજન કરવામાં આવશે.
પક્ષીપ્રેમીઓનો આક્રોશ: "VVIP દેખાડો પક્ષીઓ માટે આફત"
આ તમામ આંકડાઓ વચ્ચે શહેરના પક્ષીપ્રેમીઓ અને પર્યાવરણવિદોએ એક કડવી વાસ્તવિકતા તરફ ધ્યાન દોર્યું છે. તેમનો આક્ષેપ છે કે, પાણીનો ભારે મારો: અમદાવાદમાં જ્યારે પણ કોઈ VVIP મહેમાન આવે છે, ત્યારે તેમના રૂટ પરના વૃક્ષોને હરિયાળા અને ચમકદાર બતાવવા માટે ફાયર બ્રિગેડ કે ટેન્કરો દ્વારા પાણીનો ભારે મારો ચલાવી ધૂળ સાફ કરવામાં આવે છે.
માળાઓને નુકસાન: આ હાઇ-પ્રેશર વોટર સ્પ્રેને કારણે વૃક્ષો પર રહેલા પક્ષીઓના માળા વિખેરાઈ જાય છે, ઈંડા નીચે પડી જાય છે અને નાના બચ્ચાઓના મોત નીપજે છે.
મૂળ સમસ્યા અકબંધ: કોર્પોરેશન શહેરમાંથી ધૂળ દૂર કરવાના ઠોસ પગલાં લેવાને બદલે માત્ર દેખાડો કરવા વૃક્ષોને ધોવે છે, જે કુદરતી નિવસનતંત્ર માટે નુકસાનકારક છે.
"શહેરમાં ધૂળ ઓછી કરવા માટે રસ્તાઓ સાફ કરવા જોઈએ, નહીં કે વૃક્ષો પર પાણીનો મારો ચલાવી પક્ષીઓના ઘર તોડવા જોઈએ. આ માત્ર દેખાડો છે જેની કિંમત નિર્દોષ પક્ષીઓ ચૂકવી રહ્યા છે." - સ્થાનિક પક્ષીપ્રેમી
આ પણ વાંચો: બનાસકાંઠા: હડકવાનાં લક્ષણો દેખાતા યુવકે ધમાલ મચાવી, લોકોએ દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડ્યો
વહીવટી તંત્ર સામે સવાલ
એક બાજુ AMC 'ટ્રી સેન્સસ' દ્વારા ડિજિટલ મેપિંગ કરી રહી છે, ત્યારે બીજી બાજુ આ જ વૃક્ષો પર વસતા પક્ષીઓની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. પર્યાવરણ પ્રેમીઓની માંગ છે કે કોર્પોરેશન માત્ર વૃક્ષોની સંખ્યા ગણવાને બદલે તેમના પર આશ્રય લેતા જીવોની સુરક્ષા માટે પણ નીતિ બનાવે.





