Pramukh Varani Amrit Mahotsav: અમદાવાદ: શાહપુરની આંબલીવાળી પોળ, BAPS સંસ્થાના ઇતિહાસની સૌથી નિર્ણાયક ઘટનાની આ ભૂમિ. અહીં જ, આજથી બરાબર 75 વર્ષ પહેલાં, 21 મે, 1950 ના રોજ, શાસ્ત્રીજી મહારાજે યુવાન સંત પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા. આ અલૌકિક ઘટનાનો 'પ્રમુખ વરણી અમૃત મહોત્સવ' આજે રવિવારે 7 ડિસેમ્બરે સાબરમતી રિવરફ્રન્ટ પર ઉજવાયો હતો. આ ક્ષણના સાક્ષીએ આજે ભાવ વિભાર થઈ 75 વર્ષ પહેલા બનેલી અચરજ પમાડે તેવી ઘટનાનું વર્ણન કર્યું હતું.
પ્રમુખસ્વામી સંસ્થાના પ્રમુખ બન્યા તે ઐતિહાસિક ક્ષણના સાક્ષી છે નવનીતભાઈ
આજે 85 વર્ષીય અને હાલ લંડન રહેતા નવનીતભાઈ પટેલ એ ભાગ્યશાળી વ્યક્તિઓમાંથી એક છે, જેઓ દાયકાઓ પછી પણ તે દિવસને યાદ કરી શકે છે. 1950માં નવનીતભાઈ માત્ર 10 વર્ષના હતા. નવનીતભાઈએ તે દિવસનું વાતાવરણ વર્ણવતા કહ્યું: "અમે નાના હતા એટલે પાછળ ઊભા હતા અને આગળ વડીલ સંતો અને હરિભક્તો બેઠા હતા. બાબા કાકાના ઘરમાં જગ્યા ઓછી હતી. સૌના મનમાં એક જ સવાલ હતો કે હવે સંસ્થાની ધૂરા કોને સોંપાશે."

પ્રમુખ સ્વામી પણ અચંબિત થઈ ગયા હતા
વધુ જણાવતા નવનીતભાઈએ કહ્યું કે "કોઈને પણ વિશ્વાસ નહોતો કે શાસ્ત્રીજી મહારાજ માત્ર 28 વર્ષના યુવાન સંત, પ્રમુખ સ્વામીને આ જવાબદારી આપશે, કારણ કે બીજા વડીલ સંતો પણ ઉપસ્થિત હતા. પ્રમુખ સ્વામીને તો પોતે પણ એવું જ લાગતું હતું કે તેમને નહીં, પણ કોઈ વડીલ સંતને આ પદ મળશે. પણ શાસ્ત્રીજી મહારાજે પહેલાથી જ આ નક્કી કરી રાખ્યું હતું."
પ્રમુખ બન્યા તરત જ વાસણ ઘસવા લાગી ગયા': પ્રત્યક્ષદર્શી
"શાસ્ત્રીજી મહારાજ ઊભા થયા અને કોઈને કંઈ પૂછ્યા વગર સીધી પ્રમુખ સ્વામીને ચાદર ઓઢાડી દીધી. આ અણધારી વરણી બાદ તરત જ, પ્રમુખસ્વામી સંસ્થાના પ્રમુખ બન્યા પછી પણ, વાસણ ઘસવાની સેવામાં લાગી ગયા હતા."આ ઘટના પ્રમુખસ્વામી મહારાજના નિરભિમાની, સેવાભાવ અને પદ પ્રત્યેની નિસ્પૃહતાને દર્શાવે છે, જે તેમના જીવનના 95 વર્ષ સુધી લાખો લોકોએ અનુભવી છે.

શાહપુરની આંબલીવાળી પોળ: જ્યાંથી સેવાકાર્યનો શુભારંભ થયો
પ્રમુખસ્વામી મહારાજની આ વરણીની ઘટનાને 2025માં 75 વર્ષ પૂર્ણ થતાં, BAPS સંસ્થાએ અમદાવાદમાં જ તેમને અંજલિ આપવા માટે પ્રમુખ વરણી અમૃત મહોત્સવનું આયોજન કર્યું છે.
આંબલીવાળી પોળનું મહત્ત્વ
અમદાવાદના શાહપુરમાં આવેલી આંબલીવાળી પોળનું મહત્ત્વ માત્ર આ એક ઘટના પૂરતું સીમિત નથી. આ પોળ સત્સંગ અને સેવાના અનેક સંસ્મરણોની સાક્ષી રહી છે. વર્ષ 1907 થી 1951 દરમિયાન શાસ્ત્રીજી મહારાજ અહીં વારંવાર પધારતા હતા. વર્ષ 1939માં બાબુભાઈ પટેલના ઘરમાં શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામીને દીક્ષા આપી હતી. દીક્ષા બાદ પ્રમુખસ્વામી આ પોળમાં ઘરે-ઘરે ઝોળી માંગી નિર્વાહ કરતા અને 1942માં તેમણે અહીં સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો.

500 વર્ષ ટકે તેવો જીર્ણોદ્ધાર
હરિભક્તોએ પોળના જીર્ણોદ્ધાર માટે પોતાના ઘર સમર્પિત કર્યા બાદ, આશરે 50 હજાર સ્ક્વેર ફૂટમાં પોળનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે, જે 27 માર્ચ, 2022ના રોજ ખુલ્લું મુકાયું. જે ઓરડામાં પ્રમુખસ્વામીને ચાદર ઓઢાડી સંસ્થાની ધૂરા સોંપાઈ હતી, ત્યાં સ્મૃતિ મંદિરમાં ત્રણેય ગુરુઓ (શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી)ની મૂર્તિઓ સ્થાપિત છે.
પરંપરાગત વાસ્તુકલાના આધારે પોળની ડિઝાઇન
આ પોળ આગામી 500 વર્ષ સુધી અડીખમ રહે તેવી રીતે પરંપરાગત વાસ્તુકલાના આધારે ડિઝાઈન કરાઈ છે. અહીં એક પ્રમુખ સ્વામી સભાગૃહ પણ છે, જ્યાં 500-700 હરિભક્તો એક સાથે સત્સંગ કરી શકે છે.આ પ્રમુખ વરણી અમૃત મહોત્સવ આ ઐતિહાસિક વારસાને અને પ્રમુખસ્વામી મહારાજના સેવામય જીવનને દુનિયા સમક્ષ પ્રસ્તુત કરશે.


