Ahmedabad News: અમદાવાદમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. કોઈ પણ સૂચનાનું પાલન કર્યા વગર નિયમો નેવે મૂકી હપ્તારાજની મહેરથી મનફાવે તેમ શહેરમાં ડમ્પર હંકારી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદના નારણપુરામાં ડમ્પરે મોપેડ સવાર દંપતીને ફંગોળતા હૈયું કંપાવી દે તેવો અકસ્માત સર્જાયો છે. જેમાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
ડમ્પર યમરાજ બનીને આવ્યું
અકસ્માતની પ્રાપ્ત માહિતી અનુસાર મેમનગર વાળીનાથ ચાર રસ્તા પાસે મોપેડ હંકારી મનોજભાઈ પ્રજાપતિ અને તેમના પત્ની ગાયત્રીબેન પ્રજાપતિ જઈ રહ્યા હતા. પરંતુ કાળની ચોથી ઘડીએ ડમ્પર યમરાજ બનીને આવતા મોપેડ સવાર દંપતીને જોરદાર ટક્કર મારી હતી. જેમાં પત્ની ગાયત્રીબેન પ્રજાપતિને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. જ્યારે ચાલક મનોજભાઇને સામાન્ય ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે તપાસ શરૂ કરી
ડમ્પર ચાલક દંપતીને ફંગોળીને નાશી છૂટયો હતો. ઘટનાની જાણ બી ડિવિઝન પોલીસને કરવામાં આવતા હતી. જે બાદ અકસ્માતે ગુનો નોંધી ડમ્પર ચાલકને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે. અકાળે પત્નીનું મોત થતાં ચાલક મનોજભાઇ આઘાતમાં સરી પડ્યા છે. તેમજ પરિવાર અને પ્રજાપતિ સમાજમાં ગમગીની છવાઈ ગઈ છે.
તંત્રનું જાહેરનામું હોવા છતાં નિયમોનો ઉલાળિયો
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરી વિસ્તારમાંથી ડમ્પર સહિતના ભારે વાહનો પસાર થવા અંગે તંત્રનું જાહેરનામું હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરી પુરઝડપે ડમ્પરો પસાર થતાં અગાઉ પણ અનેક લોકોના મોત નીપજી ચુક્યા છે. ત્યારે આવા ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
સુરેન્દ્રનગરના વઢવાણમાં પણ ડમ્પરે બાઈક ચાલકને કચડ્યો
સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર પૂરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પરના ચાલકે ઉપાસના સર્કલ પાસે રોડ પર જતા બાઈક ચાલકને અડફેટે લઇને અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક યુવકને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડયા હતા અને પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં મૃતક બાઈક ચાલક યુવક અક્ષય નંદાસણીયા હોવાનું બહાર આવ્યું હતું. આ અકસ્માતને પગલે ટ્રાફિક જામ થયો હતો. જેને પોલીસે દોડી આવીને ટ્રાફિકને હળવો કર્યો હતો જ્યારે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને ઝડપી પાડી બી-ડિવિઝન પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ધોળકા- ખેડા હાઇવે પર ડમ્પરની ટક્કરે યુવકનું મોત
ધોળકા- ખેડા હાઇવે પર ખાતરીપુર ગામના બસ સ્ટેન્ડ પાસે ડમ્પરે બાઇકને ટક્કર મારી હતી. બાઇક સવાર ત્રણ મિત્રો પૈકી યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. જયારે અન્ય બે મિત્રોને ઇજા થઇ હતી. આ મામલે ફરિયાદ નોંધાઇ છે. બારેજાના દર્શનકુમાર ચંદુભાઇ દરજીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના મિત્ર સૌરવભાઇ રાજુભાઇ રાવળ સાથે બારેજાથી ખાતરીપુર માતાજીના માંડવામાં હાજરી આપી પરત પોતાના ઘરે બારેજા જઇ રહ્યાં હતા. ખાતરીપુર ગામના બસ સ્ટેન્ડથી સહિત ગામ તરફ આગળ જતા પૂરઝડપે આવેલા અજાણ્યા ડમ્પર ચાલકે બાઇકને ઓવરટેક કરવા જતા ટક્કર મારી હતી. બાઇક પર સવાર ત્રણ મિત્રો નીચે પટકાયા હતા અને આકાશ દરજી પર ડમ્પર ચઢાવી દેતા ગંભીર ઇજાથી મોત થયું હતું. દર્શન કુમાર દરજી અને સૌરવ રાવલને પણ ઇજા થઇ હતી.


