Ahmedabad News: વર્ષ 2025ના વિદાય કરવા અને 2026ને આવકારવા માટે બુધવારે સાંજે મોટાપ્રમાણમાં યુવાનો શહેરના વિવિધ વિસ્તારોમાં એકઠા થયા હતા. જેમાં અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી માટે વર્ષોથી જાણીતા એવા સી જી રોડ તેમજ સિંધુ ભવન રોડ પર રાતના દશ વાગ્યા બાદ ભારે ભીડ એકઠી થઇ હતી. ડ્રગ્સનો નશો કરતા નબીરાઓને તપાસવા માટે એસઓજીની વિશેષ ટીમ તૈનાત રહી હતી.
200થી વધુ લોકોને દારૂના નશામાં ઝડપાયા
બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સિનિયર આઇપીએસ અધિકારીઓ પણ રાતના બાર વાગ્યા સુધી સતત રાઉન્ડમાં હતા. તેમજ 12 હજારથી વધારે પોલીસ અને હોમ ગાર્ડના જવાનોનો પણ વાહનચેકિંગ, ટ્રાફિક મેનેજમેન્ટની કામગીરી સોંપવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય અને શહેર પોલીસે તપાસ દરમિયાન 200થી વધુ લોકોને દારૂના નશામાં ઝડપી લીધા હતા. જ્યારે ડ્ગ્સનું સેવન કરતા તત્વોને ઝડપી લેવા માટે પણ પોલીસે ખાસ કવાયત હાથ ધરી હતી.
ગ્રામ્ય પોલીસનું બોપલ, શેલા, સાણંદમાં પેટ્રોલિંગ
ખાસ કરીને શહેરના ઇસ્કોન, સિંધુ ભવન રોડ, જજીસ બગ્લોઝ, નહેરૂનગર, રિવરફ્રન્ટ, એસ પી રીંગ રોડ, સી જી રોડ સહિતના વિસ્તારોમાં પોલીસે બ્રેથ એનાલાઇઝર તેમજ સિંધુ ભવન રોડ અને સી જી રોડ પર એસઓજીની ટીમ દ્વારા વિશેષ ટીમથી ડ્રગ્સનો નશો કરનારને ઝડપી લેવા માટે પણ કામગીરી કરતા કેટલાંક શંકાસ્પદ ઝડપાયા હતા.
આ પણ વાંચો: આજથી 31 માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી સ્કીમ અમલી, જાણો કેટલા ટકા ફાયદો?


