Ahmedabad News: અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદી પર આવેલા બ્રિજ હવે જોખમી બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સુભાષ બ્રિજ બાદ હવે અમદાવાદ અને ગાંધીનગરને જોડતા મહત્વના ઈન્દિરા બ્રિજ પર પડેલી તિરાડો અને ખાડાના અહેવાલે હજારો વાહનચાલકોમાં ફાળ પાડી છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા જ તંત્રએ પોતાની ક્ષતિ સુધારવાને બદલે તેને 'ભ્રામક સમાચાર' ગણાવી પલ્લું ઝાટકી દીધું છે.

તંત્રનો બચાવ: "આ તિરાડ નથી, એક્સપાન્શન જોઈન્ટ છે"
ઈન્દિરા બ્રિજની સુરક્ષા પર સવાલો ઉઠતા જ નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તંત્રએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું કે, "ન્યૂઝમાં જે તિરાડો દેખાડવામાં આવી રહી છે તે કોઈ સ્ટ્રક્ચરલ ખામી નથી, પરંતુ એન્જિનિયરિંગના નિયમ મુજબ રાખવામાં આવેલા 'એક્સપાન્શન જોઈન્ટ' છે. તાજેતરમાં જ 'ઇન્ફાઇનાઇટ કન્સલ્ટન્ટ' દ્વારા ટેકનિકલ ઓડિટ કરવામાં આવ્યું છે અને બ્રિજ સંપૂર્ણ સુરક્ષિત છે."

ગણતરીના કલાકોમાં 'ક્લીનચીટ'!
કોઈ પણ બ્રિજના એક્સપાન્શન જોઈન્ટ પાસે ગેપ હોય એની તો બધાને ખબર જ હોય છે. પરંતુ બ્રિજના જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં એક્સપાન્શન જોઈન્ટની સાથે તેની આસપાસ પણ તિરાડો જોવા મળી રહી છે. શું તેને સ્ટ્રક્ચરલ ખામી કે ક્ષતિ ન કહી શકાય? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
જનતાના વેધક સવાલો: જો બ્રિજ સલામત છે તો રિપોર્ટ જાહેર કેમ નથી કરતા?
તંત્રના આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા અને શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો અને નિષ્ણાતો કેટલાક તાર્કિક સવાલો ઉઠાવી રહ્યા છે.
રિપોર્ટ સાર્વજનિક કરો: જો બ્રિજ ખરેખર સુરક્ષિત હોય અને ટેકનિકલ ઓડિટ થઈ ગયું હોય, તો તંત્ર એ રિપોર્ટ જનતા સમક્ષ કેમ નથી મૂકતું? માત્ર નિવેદન આપવાને બદલે સત્તાવાર 'ફિટનેસ સર્ટિફિકેટ' જાહેર કરવામાં તંત્રને શું વાંધો છે?
વીજળીક વેગે તપાસ કેવી રીતે?: સવારે અહેવાલ પ્રસિદ્ધ થયા અને ગણતરીના કલાકોમાં તંત્રએ 'બ્રિજ સુરક્ષિત છે' તેવું પ્રમાણપત્ર પણ આપી દીધું! સવાલ એ છે કે એક જ દિવસમાં બ્રિજના એવા તે કયા જટિલ ટેસ્ટ કરી લેવામાં આવ્યા કે તંત્ર આટલા વિશ્વાસ સાથે સફાઈ આપી રહ્યું છે?
માત્ર ઈન્દિરા બ્રિજ બાબતે જ આટલી ઉતાવળ કેમ?: અમદાવાદના અન્ય બ્રિજ જ્યારે બિસ્માર હાલતમાં હોય છે ત્યારે તંત્ર વર્ષો સુધી કોઈ ખુલાસો કે સમારકામ કરતું નથી, તો ઈન્દિરા બ્રિજ બાબતે આટલી તાત્કાલિક સ્પષ્ટતા પાછળનું રહસ્ય શું?
ખાડા-તિરાડો અને ખુલેલા સ્ક્રૂ શું ભ્રામક છે?
સ્થાનિકોના જણાવ્યા મુજબ, બ્રિજ પર માત્ર જોઈન્ટ્સની જ સમસ્યા નથી, પરંતુ અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે અને સ્પાન વચ્ચેના જોઈન્ટ્સના સ્ક્રૂ પણ ખુલી ગયા છે. શું આ બધું પણ સિવિલ એન્જિનિયરિંગના નિયમ મુજબ છે? સુભાષ બ્રિજ બંધ હોવાને કારણે અત્યારે ઈન્દિરા બ્રિજ પર ટ્રાફિકનું ભારણ અનેકગણું વધી ગયું છે, તેવા સમયે તંત્રની આ 'રદિયો' આપવાની નીતિ કોઈ મોટી દુર્ઘટનાને નિમંત્રણ આપી શકે છે.


