અમદાવાદમાં કેશવ નારાયણ બિલ્ડકોને બેન્ક સાથે કરી ઠગાઇ, ગીરવે મૂકેલી મિલકત વેચી ખાધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદમાં બેંક સાથે છેતરપિંડી આચરવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના કેશવ નારાયણ બિલ્ડકોનના ડિરેક્ટરોએ ICICI બેંકમાંથી કરોડો રૂપિયાની લોન મેળવ્યા બાદ, બેંકની જાણ બહાર જ ગીરવે મૂકેલી મિલકતો બારોબાર વેચી મારી હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ મથકે નોંધાવવામાં આવી છે. બિલ્ડરોએ લોનના હપ્તા ભરવાનું બંધ કરી દેતા આ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે.
ત્રણ કરોડ રૂપિયાની લોન લીધી હતી
પ્રાપ્ત વિગતો મુજબ, ચાંદલોડીયા વિસ્તારમાં રહેતા અને નવરંગપુરા સીજી રોડ પર આવેલી ICICI હોમ ફાઇનાન્સમાં નોકરી કરતા દિનેશ યાદવે સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બોપલ-આંબલી રોડ પર આવેલા 'શિવાલીક સત્યમેવ'માં કેશવ નારાયણ બિલ્ડકોન એલએલપીની ઓફિસ ધરાવતા બિલ્ડર રોનક સોનાણી અને ગોરધન ગંગાનીએ બેંકમાંથી લોન મેળવી હતી. આ બિલ્ડરોએ પોતાની કંપનીના 'અક્ષર એલીઝીયમ' પ્રોજેક્ટની વિવિધ શોપ અને ફ્લેટ બેંકમાં મોર્ગેજ (ગીરવે) મૂક્યા હતા અને તેના પર ત્રણ કરોડ રૂપિયાની લોન લીધી હતી.
કેવી રીતે આચરી છેતરપિંડી?
બિલ્ડરો દ્વારા લોન લીધા બાદ જાન્યુઆરી 2025 સુધી આ લોનના હપ્તા નિયમિત રીતે ભરવામાં આવ્યા હતા. જો કે ત્યારબાદ લોનના હપ્તા ભરવામાં ધાંધીયા શરૂ કર્યા હતા, જે બાદ આખરે હપ્તા આવતા સાવ બંધ થઈ ગયા હતા. બેંકના ખાતામાં હપ્તા જમા ન થતાં બેંકના અધિકારીઓ દ્વારા મિલકત અને લોન અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ આકસ્મિક તપાસ દરમિયાન બેંક સત્તાધીશો સામે અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
બેંકની તપાસમાં ખુલાસો થયો હતો કે, બિલ્ડર રોનક સોનાણી અને ગોરધન ગંગાનીએ બેંકની કોઈ પણ પ્રકારની એનઓસી (NOC) કે મંજૂરી મેળવ્યા વિના જ ગીરવે મૂકેલા ફ્લેટ અને શોપ અન્ય લોકોને બારોબાર વેચી દીધા હતા. બેંકને અંધારામાં રાખીને આચરેલી આ કરોડોની છેતરપિંડી અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને બિલ્ડરો સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે.









