Ahmedabad News: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કૌકા ગામથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગત રાત્રિએ અહીં એક લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ મોટા પાયે ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. વ્હોરા મુસ્લિમ સમાજના એક લગ્ન પ્રસંગમાં પીરસાયેલી મીઠાઈ ખાવાથી અચાનક લોકોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે.
મીઠાઈ ખાધા બાદ લોકોને ઉલ્ટી અને ઉબકા
કૌકા ગામે આયોજિત લગ્ન પ્રસંગમાં પરંપરાગત 'સામસામે મીઠાની રસમ' હતી. ગ્રામજનોમાં ચર્ચા છે કે આ મીઠાઈ ખાધા બાદ જ લોકોને ઉલ્ટી અને ઉબકા આવવાની શરૂઆત થઈ હતી. જોતજોતામાં બીમાર લોકોનો આંકડો 50ને પાર કરી ગયો હતો. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે તાત્કાલિક ધોળકા અને વટામણ સહિતના વિસ્તારોમાંથી 5 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે બોલાવવી પડી હતી.

5ની હાલત નાજુક
દર્દીઓની સંખ્યા વધારે હોવાથી ગામની નૂર હાઈસ્કૂલ ખાતે જ તમામ લોકોને ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં જ કામચલાઉ હોસ્પિટલ જેવું વાતાવરણ ઉભું કરી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી.જે પૈકી 5 લોકોની હાલત વધુ નાજુક જણાતા તેમને તાત્કાલિક ધોળકાની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
ફૂડ પોઇઝનિંગ કેમ થાય?
ફૂડ પોઈઝનિંગ અથવા ફૂડ બોર્ન એ ચેપ છે જે દૂષિત ખોરાક, પાણી, ફળો વગેરે આરોગવાના કારણે થાય છે. જ્યારે ખોરાક બેક્ટેરિયા, જંતુઓ, વાયરસ અથવા પરોપજીવીઓથી દૂષિત થઈ જાય છે અને આપણે તેને ખાઈએ છીએ, ત્યારે તે ફૂડ પોઈઝનિંગ થયા છે. ઘણી વખત આ કેસના દર્દીઓને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ફૂડ પોઈઝનિંગના લક્ષણો શું છે?
-પેટમાં ખેંચાણ
-અતિસાર
-ઉબકા
-ઉલ્ટી
-ભૂખમાં ઘટાડો
-નિમ્ન-ગ્રેડ તાવ
નબળાઈ
માથાનો દુખાવો


