અમદાવાદ: ચાંદખેડાના પેલેડિયમ બિઝનેસ હબમાં લાગેલી આગ ભારે જહેમત બાદ કાબૂમાં, સ્પા સેન્ટર બળીને ખાક

Palladium Business Hub Fire: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ન્યૂ સી.જી. રોડ પર પેલેડિયમ બિઝનેસ હબમાં આગ લાગવાની ઘટના બની હતી. પેલેડિયમ બિઝનેસ હબમાં બીજા માળ પર આગ લાગવાની માહિતી મળતા જ ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિના કે કોઈ ફસાયું હોવાના અહેવાલ નથી. આગના ગોટેગોટા દેખાતા આસપાસના લોકોમાં ડરનો માહોલ દેખાયો હતો.

વિસત ગાંધીનગર હાઇવે પર 4D મોલની સામે આવેલા પેલેડિયમ બિઝનેસ હબના બીજા માળે આગનો બનાવ બન્યો હતો. તકેદારીના ભાગરૂપે તાત્કાલિક બિલ્ડિંગનું કોમ્પલેક્ષ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. બાદમાં ફાયર વિભાગ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

બિલ્ડિંગની ફાયર સિસ્ટમ કાર્યરત રહેતા મોટી દુર્ઘટના ટળી
ચાંદખેડા વિસ્તારમાં આવેલ પેલેડીયમ બિઝનેસ હબના બીજા માળે સ્થિત મલબેરી થાઈ સ્પાના એક રૂમમાં આગ લાગવાની ઘટના નોંધાઈ હતી. સ્પાના રૂમમાં રહેલ ફર્નિચરના કારણે ભારે ધુમાડો ફેલાયો હતો, જેના કારણે આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બિલ્ડિંગમાં ઉપલબ્ધ ફાયર ફાઇટિંગ સિસ્ટમ કાર્યરત હોવાના કારણે તેના અસરકારક ઉપયોગથી આગ પર ઝડપી કાબૂ મેળવી શકાયો હતો અને આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.
1,00,000 લીટર પાણીનો મારો ચલાવાયો
આગ બુઝાવવાની કામગીરી માટે કુલ 17 વાહનો સ્થળ પર કાર્યરત કરવામાં આવ્યા હતા, જેમાં 5 વોટર બાઉઝર (20 KL), 2 મિનિ ફાઇટર, 6 ફર્સ્ટ રિસ્પોન્ડર (બોલેરો), 2 એમ્બ્યુલન્સ, 1 ફર્સ્ટ રિસ્પોન્ડર સોકરપ્યો તથા 1 ઇમર્જન્સી ટેન્ડરનો સમાવેશ થાય છે. આગ પર કાબૂ મેળવવા માટે કુલ અંદાજિત 1,00,000 લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરીમાં કુલ 56 ફાયર કર્મચારીઓ જોડાયા હતા.





