Gujarat

અમદાવાદમાં રીઢા ગુનેગારનું મકાન ભોંય ભેગું, 33 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો આરોપી

By GS TEAM
18 Dec 20252 mins read
TukuTouch Logo
અમદાવાદના 33 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વ જાવેદ ઉર્ફે ઠાકરે મકસુદખાન પઠાણની બે પ્રોપર્ટી ઉપર આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વેજલપુર પોલીસે સંયુક્ત રીતે બુલડોઝર ફેરવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં રીઢા ગુનેગારનું મકાન ભોંય ભેગું, 33 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો આરોપી

Ahmedabad News: રીઢા ગુનેગારો હવે ગુનો કરતાં પહેલા 100 વખત વિચાર કરશે, કારણ કે કાર્યવાહી હવે જેલમાં નાખવા પૂરતી સીમિત નથી. હાલમાં ગેરકાયદે સંપત્તિ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદના 33 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વ જાવેદ ઉર્ફે ઠાકરે મકસુદખાન પઠાણની બે પ્રોપર્ટી ઉપર આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વેજલપુર પોલીસે સંયુક્ત રીતે બુલડોઝર ફેરવ્યું છે.

ખેતીલાયક જમીન પર હતું ગેરકાયદે બાંધકામ

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી જાવેદ ઉર્ફે ઠાકરે મકસુદખાન પઠાણે ફતેવાડી કેનાલ પાછળ આવેલા એગ્રીકલ્ચર ઝોનમાં (ખેતીલાયક જમીન)  કોઈ પણ મંજૂરી વગર ગેરકાયદેસર રીતે મકાનનું બાંધકામ કર્યું હતું. આ વિસ્તાર રહેણાંક હેતુ માટે ન હોવા છતાં સત્તાનો દુરુપયોગ કરીને ત્યાં બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું હતું. જેણે આજે ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. ગઈકાલે 17 ડિસેમ્બરના રોજ પોલીસ સુરક્ષા સાથે મનપાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જેસીબીની મદદથી મકાનને ભોંય ભેગું કરી દીધું હતું.


આરોપી અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો

અમદાવાદ શહેરના ફતેહવાડી કસ્વાપાર્ક વિસ્તારમાં રહેતા માથાભારે અસામાજિક તત્વ જાવેદ ઉર્ફે ઠાકરે મકસુદખાન પઠાણ (ઉ.વ 38) વિરૂધ્ધમાં વેજલપુર પોલીસ સ્ટેશન તેમજ અમદાવાદ શહેર તથા રાજ્યના અલગ અલગ જીલ્લા/શહેરના પોલીસ સ્ટેશનમાં 33 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં ખુનની કોશિશ, NDPS, શરીર સબંધી, મારામારી, ગેરકાયદેસર નશાયુક્ત પદાર્થની હેરાફેરી, ચોરી તેમજ પ્રોહીબીશન જેવા ગંભીર પ્રકારના ગુનાઓ છે.

આ પણ વાંચો: અમદાવાદના મુસાફરો માટે ખુશખબર! AMTS-BRTSમાં હવે એક જ ટિકિટ ચાલશે, એક વર્ષમાં 'સિંગલ મોબિલિટી સિસ્ટમ'નો થશે અમલ

લુખ્ખા તત્વોમાં ફફડાટ

આ માથાભારે શખ્સ પોતે તેના મળતીયા માણસો સાથે સતત કાર્યરત અને સંગઠિત રહી ગંભીર પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા ગુનાઓ આચરી પોતાનુ વર્ચસ્વ ઉભુ કરી નિર્દોષ નાગરિકોને ડરાવી ધમકાવી રંજાડી ગુનાહીત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરી પૈસા મેળવવાની પ્રવૃત્તિ કરી રહ્યો હતો. જે બાદ સંયુક્ત કાર્યવાહીમાં આજે તેની બે પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવી દેવાયું છે. કાર્યવાહી બાદ વેજલપુર અને ફતેવાડી વિસ્તારના લુખ્ખા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.