Get The App

અમદાવાદમાં 31stની ઉજવણી પહેલા મોટી કાર્યવાહી, ટ્રેન મારફતે મુંબઈથી આવેલો ડ્રગ્સ પેડલર સકંજામાં

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં 31stની ઉજવણી પહેલા મોટી કાર્યવાહી, ટ્રેન મારફતે મુંબઈથી આવેલો ડ્રગ્સ પેડલર સકંજામાં 1 - image


Ahmedabad News: અમદાવાદમાં 31મી ડિસેમ્બરની પૂર્વ સંધ્યાએ નશીલા પદાર્થોની હેરાફેરી પર પોલીસે મોટી સફળતા મેળવી છે. ગાયકવાડ હવેલી પોલીસે ચોક્કસ બાતમીના આધારે મુંબઈના એક ડ્રગ્સ પેડલર સૌરભ જોશી ઉર્ફે 'જંબો'ની ધરપકડ કરી છે. તેની પાસેથી લાખોની કિંમતનું આશરે 7.7 ગ્રામ MDMA ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આરોપી મુંબઈથી ટ્રેન મારફતે આવ્યો હતો અને આંતરરાજ્ય નેટવર્કનો ભાગ હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે.

વોચ ગોઠવી અને ડ્રગ્સ પેડલર ઝડપાયો

અમદાવાદ શહેરમાં નવા વર્ષની ઉજવણી પહેલા સુરક્ષા એજન્સીઓ સઘન ચેકિંગ કરી રહી છે, જેના ભાગરૂપે ગાયકવાડ હવેલી પોલીસને ગુરુવારે મોડી સાંજે એક મહત્ત્વની બાતમી મળી હતી કે મુંબઈનો એક વ્યક્તિ ડ્રગ્સની ડિલિવરી કરવા માટે ગીતા મંદિરથી જમાલપુર ફાયર બ્રિગેડ તરફ જવાનો હતો. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવીને ચોક્કસ સ્થળે રેડ કરી હતી.


આરોપી સૌરભ જોશી ઉર્ફે 'જંબો'ની ધરપકડ

પોલીસની આ કાર્યવાહીમાં સૌરભ જોશી ઉર્ફે 'જંબો' નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીની તપાસ કરતાં તેની પાસેથી પ્રતિબંધિત નશીલો પદાર્થ MDMA મળી આવ્યો હતો, જેનું વજન આશરે 7.7 ગ્રામ જેટલું છે અને તેની બજાર કિંમત લાખોમાં આંકવામાં આવી રહી છે.

મુંબઈથી ઓપરેટ થતું આંતરરાજ્ય નેટવર્ક

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સની હેરાફેરીનું આંતરરાજ્ય કનેક્શન સામે આવ્યું છે. ઝડપાયેલો આરોપી સૌરભ જોશી મૂળ મુંબઈનો રહેવાસી છે અને તે મુંબઈમાં રહેતા તેના હેન્ડલર સંતોષ ભોઈતે વતી આ ડ્રગ્સની ડિલિવરી કરવા આવ્યો હતો.આરોપી સૌરભ જોશી ટ્રેન મારફતે ડ્રગ્સ લઈને મુંબઈથી અમદાવાદ આવ્યો હતો.ડિલિવરીનું આખું નેટવર્ક ટેલિફોન દ્વારા નિયંત્રિત થતું હતું.

આ પણ વાંચો: અમદાવાદના સી.જી. રોડ અને સિંધુ ભવન પર વાહન પ્રતિબંધ, ન્યુ યર સેલિબ્રેશનની ટ્રાફિક એડવાઇઝરી જાહેર

NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો

સેક્ટર 3 SPના જણાવ્યા મુજબ આરોપી માત્ર ગુજરાત જ નહીં, પણ બીજા રાજ્યોમાં પણ ડ્રગ્સની ડિલિવરી કરવા માટે સક્રિય હતો,જે એક મોટા નેટવર્ક તરફ ઈશારો કરે છે.પોલીસે આરોપી સૌરભ જોશી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસનું મુખ્ય ધ્યાન હવે આ ડ્રગ્સ અમદાવાદમાં કોને પહોંચાડવાનું હતું, તે રિસીવરને ઝડપી પાડવા અને સપ્લાયર સંતોષ ભોઈતેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.