New Year Celebration in Ahmedabad: નવા વર્ષની ઉજવણીમાં ઉમટી પડતી ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિક દ્વારા એક વિસ્તૃત ટ્રાફિક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 31મી ડિસેમ્બરની સાંજથી 1લી જાન્યુઆરીની વહેલી સવાર સુધી શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ અને ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યા છે.
સી.જી. રોડ પર નો-વ્હીકલ ઝોન
31મી ડિસેમ્બર સાંજે 6:00થી 1લી જાન્યુઆરી વહેલી સવારે 3:00 વાગ્યા સુધી સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધીનો સી. જી. રોડ તમામ વાહનો માટે બંધ રહેશે તેમજ સી. જી. રોડની બંને બાજુએ પાર્કિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. રાત્રે 8 વાગ્યા પછી આ માર્ગ પર વાહનોની અવરજવર સદંતર બંધ કરવામાં આવશે.

વૈકલ્પિક માર્ગ
વાહનચાલકો મીઠાખળી સર્કલ, ગિરીશ કોલ્ડ ડ્રિંક્સ, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ રોડ અથવા નવરંગપુરા બસ સ્ટેન્ડથી કોમર્સ છ રસ્તાના માર્ગનો ઉપયોગ કરી શકશે.
સિંધુ ભવન રોડ (SBR) પર પ્રતિબંધ
31મી ડિસેમ્બર રાત્રે 8:00થી 1લી જાન્યુઆરી મોડી રાત્રે 3:00 વાગ્યા સુધી જાજરમાન ક્રોસ રોડથી તાજ સ્કાયલાઇન ક્રોસ રોડ સુધીનો રોડ બંને તરફથી બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ
વાહનોને જાજરમાન ચાર રસ્તાથી ઉમિયા ટ્રેડર્સ થઈ તાજ સ્કાયલાઇન તરફ અને આંબલી ઓવરબ્રિજથી શિલજ સર્કલ તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
SG હાઇવે અને અન્ય મહત્ત્વના નિયમો
સમગ્ર શહેરમાં મધ્યમ અને ભારે માલવાહક વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. એસ.જી. હાઇવે પર માત્ર પરમિટ ધરાવતા પેસેન્જર વાહનોને મંજૂરી મળશે. અન્ય વાહનોએ એસ.પી. રિંગ રોડનો ઉપયોગ કરવાનો રહેશે.
પાર્કિંગ પ્રતિબંધ
પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી અને નેહરુનગરથી શિવરંજની-ઇસ્કોન ચાર રસ્તા સુધીના સર્વિસ રોડ પર પાર્કિંગ કરી શકાશે નહીં.
પોલીસ કમિશ્નરના જાહેરનામા મુજબ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને સરકારી ફરજ પરના વાહનોને આ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કોઈ નાગરિક આ નિયમોનો ભંગ કરશે, તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ગુજરાત પોલીસ ઍક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાની મુસાફરીનું આયોજન અગાઉથી કરે અને સુરક્ષિત ઉજવણી માટે પોલીસ તંત્રને સહયોગ આપે.


