Get The App

અમદાવાદઃ નારણપુરામાં લાડલી ચાર રસ્તા પર ભયાનક અકસ્માત, એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદઃ નારણપુરામાં લાડલી ચાર રસ્તા પર ભયાનક અકસ્માત, એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત 1 - image


Ahmedabad Accident: અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા મોદી પરિવાર પર શનિવારે (13 ડિસેમ્બર) રાત્રે દુઃખનો પહાડ તૂટી પડ્યો. એક ભયાનક માર્ગ અકસ્માતમાં તેમના એકના એક દીકરા, 20 વર્ષીય વેદાંત મોદીનું કરૂણ મોત નિપજ્યું છે. આ અકસ્માત નારણપુરા વિસ્તારમાં થયો હતો, જ્યારે વેદાંત તેના પિતરાઈ ભાઈ વ્રજ સાથે કેમ્પ હનુમાન મંદિરેથી દર્શન કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો.

આ પણ વાંચોઃ દાંતાના પાડલીયા ગામે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીની ટીમ પર પથ્થર અને તીર કામઠાંથી હુમલો, 45થી વધુ જવાન ઘાયલ

શું હતી ઘટના? 

મળતી માહિતી અનુસાર, થલતેજની નિકિતા પાર્ક સોસાયટીમાં રહેતો 20 વર્ષીય વેદાંત મોદી શનિવારે રાત્રે તેના પિતરાઈ ભાઈ વ્રજ સાથે એક્ટિવા પર શાહીબાગ કેમ્પ હનુમાનજીના દર્શન કરવા ગયો હતો. રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ, બંને ભાઈ શાહીબાગથી થલતેજમાં આવેલા તેમના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન નારણપુરામાં લાડલી શૉ રૂમ સામે વેદાંતના એક્ટિવાને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી ખાનગી CNG ગેસની ગાડીએ જોરદાર ટક્કર મારી હતી.

ઘટનાસ્થળે જ નિપજ્યું મોત

આ ટક્કર એટલી પ્રચંડ હતી કે વેદાંત અને વ્રજ એક્ટિવા સાથે રસ્તા પર પટકાયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં વેદાંતને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે વ્રજને હાથના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ તળાજાની ડેરીનું મિક્સ મિલ્ક તેમજ ટીપોર્ટનું વેજીટેબલ ફેટ સ્પ્રેડ સબસ્ટાન્ડર્ડ સાબિત

પોલીસે હાથ ધરી તપાસ

આ અકસ્માતની જાણ થતાં જ વેદાંતના પિતા મૌલિનભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ચિંતાજનક બાબત એ છે કે અકસ્માત સર્જ્યા બાદ વાન ચાલક પોતાની ગાડી ત્યાં મૂકીને તાત્કાલિક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે અકસ્માતની ગંભીરતા દર્શાવે છે. આ કરૂણ ઘટનાથી મોદી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.