Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત ઝડપી બનાવવા અને કરદાતાઓને વ્યાજમાં મોટી રાહત આપવા માટે 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 સુધી જાહેર કરાયેલી 'વ્યાજ માફી યોજના'ને શહેરના નાગરિકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. યોજના શરુ થયાના માત્ર 7 જ દિવસમાં એટલે કે 1થી 7 જાન્યુઆરી 2026 દરમિયાન કુલ 24,887 કરદાતાઓએ લાભ લઈ રૂ.24.01 કરોડનો મિલકત વેરો ભર્યો છે.
7 જ દિવસમાં AMCની તિજોરીમાં ઠલવાયા રૂ. 24 કરોડ
AMCના તમામ સાત ઝોનમાંથી નોંધપાત્ર વસૂલાત આવેલ છે. મધ્ય ઝોનમાં 2380 કરદાતાઓએ રૂ.3.60 કરોડ, ઉત્તર ઝોનમાં 3243 કરદાતાઓએ રૂ.1.76 કરોડ, દક્ષિણ ઝોનમાં 4550 કરદાતાઓએ રૂ.2.40 કરોડ, પૂર્વ ઝોનમાં 4803 કરદાતાઓએ રૂ.2.90 કરોડ, પશ્ચિમ ઝોનમાં 1988 કરદાતાઓએ રૂ.2.84 કરોડ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 4856 કરદાતાઓએ રૂ.5.89 કરોડ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 3067 કરદાતાઓએ રૂ.4.63 કરોડનો મિલકત વેરો ભર્યો છે.
AMC દ્વારા જાહેર કરાયેલી આ યોજના હેઠળ જૂની ટેક્સ ફોર્મ્યુલા મુજબની રહેણાંક અને બિન રહેણાંક (કોમર્શિયલ) બંને પ્રકારની મિલકતો માટે જાન્યુઆરીથી માર્ચ 2026 દરમિયાન 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે. નવી ટેક્સ ફોર્મ્યુલા મુજબ રહેણાંક મિલકતો માટે જાન્યુઆરીમાં 85 ટકા, ફેબ્રુઆરીમાં 80 ટકા અને માર્ચમાં 75 ટકા વ્યાજ માફી મળશે. દર મહિને વ્યાજ માફીમાં 5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી વહેલી ચૂકવણી કરનારને વધુ લાભ મળે.
તે જ રીતે, નવી ટેક્સ ફોર્મ્યુલા મુજબ બિન રહેણાંક મિલકતો માટે જાન્યુઆરીમાં 65 ટકા, ફેબ્રુઆરીમાં 60 ટકા અને માર્ચમાં 50 ટકા વ્યાજ માફી આપવામાં આવશે. આ ઉપરાંત, શહેરની તમામ ચાલી તથા ઝૂંપડાવાળી રહેણાંક મિલકતોને પણ 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 દરમિયાન મિલકત વેરાના વ્યાજમાં 100 ટકા માફી આપવામાં આવશે.
જો કે, વર્ષ 2025–26ના ચાલુ વર્ષના મિલકત વેરા માટે આ ઈન્સેન્ટિવ રીબેટ યોજના લાગુ નહીં પડે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ વ્યાજ માફી યોજનાથી એક તરફ બાકી મિલકત વેરાની વસૂલાતમાં નોંધપાત્ર વધારો થવાની સાથે બીજી તરફ શહેરના કરદાતાઓને વ્યાજમાં મોટી આર્થિક રાહત મળશે.


