Get The App

અમદાવાદ: સાબરમતીના પટમાં રેતી ખનન માટે ગેરકાયદે પુલો-પાળાઓનું નેટવર્ક, તંત્રએ રેતી માફિયાઓના રસ્તા કર્યા ધ્વસ્ત

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: સાબરમતીના પટમાં રેતી ખનન માટે ગેરકાયદે પુલો-પાળાઓનું નેટવર્ક, તંત્રએ રેતી માફિયાઓના રસ્તા કર્યા ધ્વસ્ત 1 - image


Ahmedabad News : ​​અમદાવાદ શહેર નજીક આવેલા સાબરમતી નદીના પટમાં લાંબા સમયથી ગેરકાયદે પુલો-પાળાઓ બાંધીને રેતી ખનનની પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું સામે આવ્યું છે, ત્યારે વહીવટીતંત્રને ધ્યાને આવતા રેતી માફિયાઓના રસ્તા ધ્વસ્ત કરીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સાબરમતીના પટમાં ખનીજ માફિયાઓ પર તંત્રની કાર્યવાહી

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ખાણ ખનીજ વિભાગ અને મહેસૂલ વિભાગની સંયુક્ત ટીમે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને સાબરમતી નદીપટ્ટમાં ગેરકાયદે ખનીજ ચોરી મામલે કામગીરી કરી હતી. જેમાં ​અમદાવાદ ખાણ ખનીજ કચેરી અને દસક્રોઈ મામલતદારની ટીમે પોલીસ સ્ટાફ સાથે મળીને સાબરમતી નદીપટ્ટને જોડતા મહીજડા, નવાપુરા અને મીરોલી ગામોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદ: સાબરમતીના પટમાં રેતી ખનન માટે ગેરકાયદે પુલો-પાળાઓનું નેટવર્ક, તંત્રએ રેતી માફિયાઓના રસ્તા કર્યા ધ્વસ્ત 2 - image

ખનીજ ચોરી માટે માફિયાઓ દ્વારા નદીમાં ગેરકાયદે રીતે બનાવવામાં આવેલા પુલ અને પાળાઓ આઇડેન્ટિફાય કરીને એક્સકેવેટર મશીનો (JCB) દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. આમ તંત્ર દ્વારા રેતી ચોરી માટે વપરાતા ગેરકાયદે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

ખનીજ માફિયાઓને ​તંત્રએ ચેતવણી આપી હતી કે, "સાબરમતી નદીપટ્ટના અન્ય વિસ્તારોમાં પણ સર્વે ચાલુ છે. જ્યાં પણ ગેરકાયદેસર પાળાઓ કે દબાણ જણાશે ત્યાં આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે ડિમોલિશનની કામગીરી ચાલુ રહેશે."

આ પણ વાંચો: અમદાવાદમાં ACBની ટ્રેપ: નિવૃત્ત પ્રિન્સિપાલની ફાઈલો પાસ કરવા રૂ. 3 લાખની લાંચ માગી, કોલજનો વોચમેન ઝડપાયો, ટ્રસ્ટી ફરાર

​સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ખનીજ માફિયાઓ નદીના પ્રવાહને રોકીને અથવા ગેરકાયદે પાળા બનાવીને ભારે વાહનોની અવરજવર કરતા હતા. આ અંગેની ફરિયાદો મળતાં જ કલેક્ટરની સૂચનાથી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.