Ahmebabad Vastrapur News : શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી પરિણીતા રિદ્ધિ ભરવાડે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતકના પરિવારજનોએ સાસરિયા પક્ષ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે રિદ્ધિને દહેજ માટે સતત દબાણ કરવામાં આવતું હતું.
સાસરિયાવાળા સામે 'થાર' કાર માટે દહેજ માંગવાનો આક્ષેપ
પ્રાથમિક વિગતો મુજબ, રિદ્ધિ ભરવાડના પતિ દિલીપ ભરવાડ સહિત સાસરિયા પક્ષના સભ્યો દ્વારા લાંબા સમયથી દહેજની માંગણી કરવામાં આવી રહી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે જમાઈ દિલીપ ભરવાડ દ્વારા 'થાર' (Thar) ગાડી ખરીદવા માટે પૈસાની માંગણી કરીને રિદ્ધિ પર માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો.
સાસરિયા પક્ષના સભ્યો ફરાર
આત્મહત્યાના પ્રયાસ પહેલા પણ સાસરિયા પક્ષ સાથે રિદ્ધિનો મોટો ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે કંટાળીને રિદ્ધિએ આ અંતિમ પગલું ભર્યું હતું. રિદ્ધિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ સાસરિયા પક્ષના સભ્યો તેને એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલમાં મૃતદેહ મૂકીને સાસરિયા પક્ષના તમામ સભ્યો રફુચક્કર થઈ ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો
આ ઘટનાથી શોકગ્રસ્ત અને આક્રોશિત પરિજનોએ માગણી કરી છે કે જ્યાં સુધી આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ (FIR) નોંધવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ દીકરીના મૃતદેહનો સ્વીકાર કરશે નહીં. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર સાસરિયા પક્ષના સભ્યોની શોધખોળ શરૂ કરી છે.


