Gujarat

અમદાવાદ: માધુપુરા માર્કેટમાં પાર્કિંગની બબાલ બની જીવલેણ, ચાર શખસોના ઢોર મારથી યુવકનું મોત

By GS TEAM
4 May 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા વ્યસ્ત માધુપુરા માર્કેટમાં ધોળા દિવસે હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત ત્રીજી મેના રોજ બપોરના સમયે માત્ર ટુ-વ્હીલર પાર્કિંગ કરવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે હિંસક રૂપ ધારણ કર્યું હતું, જેમાં એક 26 વર્ષીય શ્રમિક યુવકની જાહેરમાં લોખંડના સળિયા અને બેલ્ટ વડે ફટકારીને હત્યા કરી દેવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: માધુપુરા માર્કેટમાં પાર્કિંગની બબાલ બની જીવલેણ, ચાર શખસોના ઢોર મારથી યુવકનું મોત

Ahmedabad Crime News: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા વ્યસ્ત માધુપુરા માર્કેટમાં ધોળા દિવસે હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત ત્રીજી મેના રોજ બપોરના સમયે માત્ર ટુ-વ્હીલર પાર્કિંગ કરવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે હિંસક રૂપ ધારણ કર્યું હતું, જેમાં એક 26 વર્ષીય શ્રમિક યુવકની જાહેરમાં લોખંડના સળિયા અને બેલ્ટ વડે ફટકારીને હત્યા કરી દેવામાં આવી છે.

સામાન્ય બોલાચાલી હત્યામાં પરિણમી

મળતી માહિતી અનુસાર, મૃતક યુવક મિથિલેશ ઉર્ફે મુન્નો (ઉ.વ. 26) અને તેનો મોટો ભાઈ સંદીપ મિશ્રા મૂળ ઉત્તર પ્રદેશના ઈટાવાના વતની છે અને છેલ્લા સાત વર્ષથી માધુપુરા માર્કેટમાં છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. સંદીપ મિશ્રાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, ત્રીજી મેના રોજ બપોરે 12:30થી 1:00 વાગ્યાની વચ્ચે ટુ-વ્હીલર પાર્કિંગ બાબતે મિથિલેશને કેટલાક પીકઅપ બોલેરોના ડ્રાઈવરો સાથે માથાકૂટ થઈ હતી. પાર્કિંગના ઝઘડામાં ઉશ્કેરાયેલા ઇન્દ્રજીતકુમાર પટેલ, આકાશ પટેલ, આકાશ રાઉત અને લાલીપ્રસાદ પ્રસાદે ભેગા મળીને મિથિલેશ પર લોખંડના સળિયા અને કમરના પટ્ટા (બેલ્ટ) વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં તેનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો: સુરત: વરાછાની SBI બેન્કમાં 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી 2 આરોપી ઝડપ્યા

મોટાભાઈની નજર સામે જ ભાઈનું મોત

ઘટના સમયે ફરિયાદી સંદીપ માર્કેટના ગેટ પાસે હતો. ત્યાં 108 એમ્બ્યુલન્સ આવતા તે જોવા પાછળ ગયો ત્યારે તેણે એક દુકાન પાસે પોતાના નાના ભાઈ મિથિલેશને લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલો જોયો હતો. એમ્બ્યુલન્સના ડોક્ટરે તપાસ બાદ મિથિલેશને મૃત જાહેર કર્યો હતો.

પોલીસ કાર્યવાહી અને આરોપીઓ

શાહીબાગ પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે ઇન્દ્રજીતકુમાર પટેલ, આકાશ પટેલ, આકાશ રાઉત અને લાલીપ્રસાદ પ્રસાદ સામે ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા માર્કેટ વિસ્તારના સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે. તેમજ ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓ અને સુરક્ષા કર્મચારીઓના નિવેદન નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.